બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તા અને ચિંકારા સાથે હવે આ પ્રાણી માટે પણ સંર્વધન કેન્દ્ર ઊભું થશે
ભુજઃ રણપ્રદેશ કચ્છના ભાતીગળ બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ હવે અહીં સ્પોટેડ ડિયર એટલે કે રામાયણ કાળથી મૃગ તરીકે ઓળખાતાં ચિતલ હરણને લાવવામાં આવશે.
જાણવા મળેલી વિગતો અનુસાર, મોરબી ખાતેના રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે ૩૦ જેટલા ચિતલને ખાસ પ્રકારના વાહનમાં ટ્રાન્સલોકેટ કરી સમગ્ર એશિયા ખંડમાં ટોચનું સ્થાન ધરાવતા બન્ની પ્રદેશના ઘાસિયા મેદાનોમાં લઇ આવવામાં આવશે.
એશિયાટિક સિંહના નિવાસ્થાન ગીરના જંગલમાં જોવા મળતાં મૃગની બન્નીમાં પધરામણી અંગે કચ્છ વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક ડો.સંદીપ કુમારે જણાવ્યું હતું કે, બોમા ટેક્નોલોજી વડે કેપ્ચર કરેલાં ૩૦ જેટલાં ચિતલને સાસણગીર લાયન સેન્ચુરી હસ્તકના ખાસ વાહનનોમાં બેસાડીને ૨૮૦ કિલોમીટર દૂર બન્નીમાં રિલોકેટ કરવામાં આવશે.
આ બોમા ટેક્નિકમાં પ્રાણીઓને ફનલ જેવી ફેન્સીંગ દ્વારા પીછો કરીને એક ફેન્સીંગમાં જવા આકર્ષિત કરવામાં આવે છે અને બાદમાં તેમને પકડી ટ્રાન્સલોકેટ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જંગલમાં રહેવા ટેવાયેલા ચિતલને કચ્છ જેવા સૂકા રણપ્રદેશમાં વસાવવા માટે ૧૦૦ હેકટર વિસ્તારમાં ફેન્સીંગ ઉભી કરી અત્યાધુનિક સંવર્ધન કેન્દ્રના નિર્માણકાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. મૃગને ઘાસના પ્લોટમાં જ મૂકવામાં આવશે. શેડ, પાણીના પોઇન્ટ અને ખોરાક સાથે આસપાસની અનૂકૂળ સ્થિતિઓ ઉભી કરવામાં આવી રહી છે. ગીરના જંગલમાં ચિત્તલની વસ્તી ૯૦ હજારથી વધુ છે. તાજેતરમાં બરડા અભયારણ્યમાં સફળતાપૂર્વક ૨૩ ચિતલને ટ્રાન્સલોકેટ કરવામાં આવ્યા હતા.
દરમ્યાન નારાયણસરોવર અભ્યારણ્યમાં અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી સંખ્યામાં જોવા મળતાં ચિંકારા પ્રજાતિના હરણ કે જેમને કાળીયાર તરીકે ઓળખવામાં આવે છે એમના માટે પણ બન્નીમાં જ ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્રનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષ ૧૯૮૨ આસપાસ બન્નીમાં ૫૦ જેટલા કાળિયાર હોવાની નોંધ વન્યજગતના વિદ્વાન એમ. કે રણજીતસિંહજી દ્વારા કરાઈ હતી. જો કે કાળક્રમે શિકાર અને અન્ય પ્રવૃતિઓ થકી કાળિયાર હરણ કચ્છમાંથી વિલુપ્ત થઇ ગયા હતા.
આ પણ વાંચો : હસદેવનું જંગલ: રાજકારણના રંગ ઔર જાને ભી દો યારોં
ચિંકારા સામાન્યતઃ વર્ષમાં બે વખત બ્રીડિંગ કરતા હોય છે. પહેલા ઓગસ્ટ-ઓક્ટોબરના અંતમાં અને પછી માર્ચ-એપ્રિલમાં. માદા ચિંકારા સગર્ભાવસ્થાના સાડા પાંચ મહિનાના સમયગાળા પછી એક બચ્ચાંને જન્મ આપે છે, જે સંપૂર્ણ રીતે વિકસિત થતા બે મહિના જેટલો સમયગાળો લાગે છે.
આ પ્રજાતિના હરણ શરમાળ સ્વભાવના હોય છે, માનવ વસવાટ નજીક જવાનું ટાળે છે. આ પ્રાણી ચારથી પાંચ પ્રાણીઓના નાના જૂથોમાં ભેગા થઈ ફરતા હોય છે. ચિંકારાનો જીવનકાળ ૧૨ થી ૧૫ વર્ષનો હોય છે. તેઓ ઘાસ, પાંદડા અને ફળો પર નિર્ભર રહે છે.
અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાં અને ભારતમાં પણ માંસ અને ટ્રોફી માટે ચિકારાનો ઉપયોગ વધારે પડતો થાય છે. રેડ લિસ્ટ મુજબ, ચિંકારાની કુલ વસ્તી ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ જેટલી જ બચી છે