આપણું ગુજરાત

વડોદરાવાસીઓ કરશે ‘સોશિયલ મીડિયાના રાવણ’નું દહન, 70 બાળકોની મહેનતથી તૈયાર કરાયું પૂતળું

આજે વડોદરામાં કંઇક ખાસ થવા જઇ રહ્યું છે. આજે દશેરાનો તહેવાર અને ઠેર ઠેર રાવણદહન યોજાશે એ તો ખાસ ઘટના છે જ. પરંતુ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક સરાહનીય પહેલમાં ‘સોશિયલ મીડિયાના રાવણ’નું આજે દહન કરવામાં આવશે. અંદાજે 70 જેટલા બાળકોએ ‘સોશિયલ મીડિયા રાક્ષસ’ થીમ ઉપર 6 કિલો ન્યૂઝ પેપર અને 2 કિલો પૂઠામાંથી સાડા પાંચ ફૂટનો રાવણ તૈયાર કર્યો છે.

પૂઠા પર પેઇન્ટિંગ કરી વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સના આઇકન તથા લોગો ચીતરવામાં આવ્યા છે. આ સાઇટ્સથી લોકોને કેટલું જોખમ છે તે સમજાવવા રાવણના દસ માથામાં વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી એપના લોગો મુકી આ બધી એપ રાવણના દુર્ગુણો જેવા કે કામ, ક્રોધ, મોહ, ઇર્ષા બરાબર છે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે એક અગ્રણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા લોકોને માનસિક અને શારીરિક રીતે ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. બાળકો મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ન કરે અને કરે તેમાં સોશિયલ મીડિયા સાઇટ્સથી દૂર રહે તે માટે એક જાગૃતિના ફેલાવવાના પ્રયાસરૂપે રાવણરૂપી “સોશિયલ મિડીયા રાક્ષસ” બનાવી અમે તેનું દહન કરીશું. આ રાવણને તૈયાર કરતા 10 દિવસનો સમય લાગ્યો હતો.

આ દ્વારા આધુનિક યુગના માતાપિતાને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ તેમના બાળકોને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવે, તેમના માનસને રચનાત્મક પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા તરફ વાળે, બાળકોમાં સોશિયલ મીડિયાના વળગણની માનસિકતા વિકસે નહિ તે માટે યોગ્ય પગલા લેવાની અપીલ કરાઇ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button