અમારા માટે ૧૪ ટકા અનામત રાખો: ભરતી મેળાથી નારાજ થયેલા મૂળ ભાજપીઓનો રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં દર ચૂંટણી ટાણે ભાજપ દ્વારા થતી કૉંગેસીઓ અને ભાજપની મૂળ વિચારધારા વગરના નેતાઓની ભરતી સામે હવે મૂળ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગી બહાર આવી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપના ભરતી મેળા સામે એક પત્રિકા વહેતી થઇ છે જેમાં એવી માગણી કરાઇ છે કે અમારા માટે હવે ૧૪ ટકા અનામત રાખો , જોકે આ પત્રિકા મૂળ ભાજપના લોકો કે અન્ય વિરોધી લોકોએ વહેતી કરી છે કે કેમ તે અંગ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ભાજપના જ એક નેતાઓ પણ આ આખી વાતને નકારીને ભાજપને વિરોધીઓ દ્વારા બદનામ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં કૉંગ્રેસના નેતાઓની ભરતી મામલે પત્રિકા વાયરલ થઈ હતી. મૂળ ભાજપના લોકોને પાર્ટીમાં ૧૪ ટકા અનામત આપવાની માગણી કરતી પત્રિકા ફરતી કરી હતી. જેના પગલે રાજ્ય ભાજપમાં હડકંપ મચ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. એક પછી એક કૉંગ્રેસના ધારાસભ્યો પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ વચ્ચે એક વિવાદિત પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે કે મૂળ ભાજપના કાર્યકરો માટે ભાજપમાં હોદ્દો કે કોઈ પણ ચૂંટણીની ટિકિટ માટે ૧૪ ટકા અનામત રાખવી જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપમાં કૉંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, પ્રધાનમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટીના સંગઠનમાં પણ મહત્ત્વના હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. જેનાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીઓને ગાભા મારવાની પરિસ્થિતિ પેદા થઇ છે. આ પત્ર ગાભામારૂ કાર્યકરના નામે વાયરલ થયો છે. આ પત્રમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓની સારા પદ પર નિમણૂંક થતાં ભાજપના કાર્યકરો ચૂંટણી ટાણે જ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. લગભગ ૫૦ ટકા કૉંગ્રેસીઓ ભાજપમાં ભળી જતાં કોઇ દુભાયેલા મૂળ ભાજપીએ પાટીલને સંબોધીને લખેલો પત્ર દરેક મોબાઇલની સ્ક્રીન પર ધૂમ મચાવી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને લખાયેલો એક પત્ર દરેક મોબાઇલ સુધી પહોંચી ગયો છે. કોઇ ભાજપના જ દુભાયેલા કાર્યકર અથવા આગેવાને પોતાની વ્યથા આ પત્રમાં ઠાલવી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.
આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, મૂળ ભાજપના સંનિષ્ઠ કાર્યકરો માટે ભાજપ પક્ષમાં હોદ્દો કે કોઇપણ ચૂંટણીની ટિકિટ માટે ૧૪ ટકા અનામત રાખવી જોઇએ. હાલ ભાજપનું કૉંગ્રેસીકરણ થઇ રહ્યું છે ત્યારે આ પત્ર ભારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી એક પત્ર ફરતો થયો છે. ભાજપમાં હાલમાં માહોલ એવો છે કે મૂળ ભાજપી વર્ષોથી પાર્ટી માટે કામગીરી કરી રહ્યાં છે પણ કૉંગ્રેસી નેતાઓ પક્ષપલટો કરીને નેતાજી બની રહ્યાં છે. આ પહેલાં પણ સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો થયો છે. ગુજરાતમાં પ્રધાન બનવું હોય તો ભાજપ નહીં કૉંગ્રેસમાં જોડાઓ , ભાજપમાં જોડાયા તો તમારું વર્ચસ્વ નહી રહે પણ કૉંગ્રેસમાં કામ કરશે તો ભાજપ તમને લીલાતોરણે વધાવી લેશે. ગુજરાતને કૉંગ્રેસમુક્ત કરવાના સપનાંમાં ભાજપ કૉંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે. અત્યારસુધી ૧૦૦થી વધારે નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ભાજપમાં રહીને મહેનત કરતા કાર્યકરો કોરાણે જતા જાય છે અને પક્ષપલટુઓ પદ ભોગવી રહ્યાં છે.