બેચરાજીમાં રુપેણ નદીના પ્રવાહમાં કાર તણાઈઃ સ્થાનિકોએ બચાવ્યાં…
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદની સ્થિતિ છે. વરસી રહેલા વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે. જિલ્લાના ચુંવાળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજ સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર એક કાર ચાલકે જીવના જોખમે કોઝવે પરથી કાર હંકારતા ગાડી પાણીના પ્રવાહમાં તણાઇ હતી. ગાડીને પાણીના પ્રવાહમાં તણાતા જોતાં સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી ગાડીમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો : Gujarat સરકારનો જાહેર સલામતીને મામલે મોટો નિર્ણય, ગેમીંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા મોટપ અને કનોડા ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર આવેલા કોઝવે પરથી નદીના પાણી વહી રહ્યા છે અને કોઝ વે પર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે આજે એક કાર ચાલક અહીંયાંથી પસાર થયો હતો ત્યારે કાર પાણીના પ્રવાહમાં તણાઇ હતી.
પાણીના પ્રવાહમાં તણાયેલ કારમાં સવાર ત્રણ લોકો ગાડીમાંથી બહાર આવી ઝાડના સહારે બચ્યા હતા. નદીના પ્રવાહમાં કાર તણાયા હોવાની જાણ થતાં જ સ્થાનિકો બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ નદી પર પહોંચીને ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા.