ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગૌરી નીલકંઠનો આજે જન્મદિવસ!
![remembering-vidyagauri-nilkanth-gujarats-first-woman-details-here](/wp-content/uploads/2024/06/Vidyagauri-Nilkanth-Gujarats-first-woman-1.webp)
આજના સમયમાં પણ સ્ત્રી શિક્ષણનું સ્તર સંતોષકારક નથી. સરકારના આટઆટલાં પ્રયત્નો અને સમાજમાં આવેલી જાગૃતિ છતાં પણ સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ હજુ ઘણું ઓછું છે. આજે પણ સ્ત્રીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘણો વધારે છે, તો ઘણા વિસ્તારોમાં તો સ્ત્રીઓ શિક્ષણથી જ વંચિત રહે છે. પરંતુ આજે આપણે વાત કરીશું ગુજરાતનાં એક એવા મહિલાની કે જેમણે પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતકનું બિરુદ મળેલું છે.
આમ તો અંગ્રેજોના સમયમાં કુમાર અને કન્યા માટેની અલગ અલગ શાળાઓ સ્થાપવામાં આવી હતી પરંતુ મોટાભાગે કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ સુધીની જ વ્યવસ્થા હતી. મોટાભાગની કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવ્યા બાદ પરણાવી દેવામાં આવતી હતી. આ સમયે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતાં હતાં.
આવા સમયે કોઈ મહિલા પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ અભ્યાસ કરીએ સ્નાતક થાય તે જરા પણ સહજ ન હતું. 1 જુન 1876 માં અમદાવાદમાં જન્મેલા વિદ્યાગોરી નીલકંઠ અને તેમના નાના બહેન શારદાબેનનું સ્થાન આપણા ઇતિહાસમાં પ્રથમ મહિલા ગુજરાતી સ્નાતક તરીકે અંકિત થયેલું છે. વિદ્યાગોરીના પિતા કાયદાના અધિકારી હતા અને આથી તેઓ ગુજરાતના નાના નાના શહેરોમાં નોકરીઅર્થે રહેતા હતા. પરંતુ માતા બાલાબહેન દીકરીઓના શિક્ષણ માટે અમદાવાદમાં જ રહેતા હતા.
વિદ્યાગૌરી નીલકંઠે તેમનું પ્રાથમિક શિક્ષણ તે સમયના સાક્ષર વિદ્વાન તેમનાં મામા નરસિંહરાવ દિવેટિયા અને માતાના મોસાળ ભોળાભાઈ સારાભાઈને ત્યાંથી લીધું હતું. સાત ધોરણ સુધીનો અભ્યાસ તેઓએ રા. બા. મગનભાઈ કન્યાશાળા માંથી પૂર્ણ કર્યો. સાત ધોરણ પછી કન્યાઓ માટે કોઈ હાઈસ્કૂલની સુવિધા ન હોવાથી એ તેમની બહેને મહાલક્ષ્મી ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાંથી એંગ્લો વર્નાક્યુલર ક્લાસ કરવાં પડ્યા.
વિદ્યાગૌરીના લગ્ન તેમની તેર વર્ષની ઉંમરે તે સમયના સમાજ સુધારક રમણભાઈ નીલકંઠ સાથે થયા. તેમનાં પતિ તેનાથી નવ વર્ષ મોટાં હતા. પતિના સહયોગથી 1891માં તેમને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ બાદ તેમણે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટનો અભ્યાસ ફિલોસોફી વિષય સાથે શરૂ કર્યો. બી.એ.ની ડિગ્રી મેળવવા તેમને આઠ વર્ષનો સમય લાગ્યો. 1901માં આખી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત મેળવ્યું હતું.
વિદ્યાગૌરી નીલકંઠ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના અભ્યાસી રહ્યા છે. અમદાવાદમાં શરૂ થયેલ મહિલા ક્લબના પ્રારંભથી જ સભ્ય રહ્યા હતા અને અહીંયાથી જ તેમનાં સાર્વજનિક જીવનની શરુઆત થઈ. તેમણે ગરીબ મુસ્લિમ મહિલાઓ માટે સીવણ ક્લાસની શરુઆત કરી હતી તેમજ પ્રથમ વિશ્વયુદ્ધના સમયે રાહત કોષ માટે વયસ્ક શિક્ષણના ક્લાસ અને અન્ય કામગીરી હાથ ધરી હતી. ૧૯૨૬માં બ્રિટિશ સરકારે ‘કેસરે હિન્દ’ પુરસ્કાર એનાયત કર્યો હતો પરંતુ મીઠાના સત્યાગ્રહ સમયે તેમણે આ એવોર્ડ પરત કર્યો હતો. ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ (AIWC)ના લખનઉ સત્રની અધ્યક્ષતા તેમણે કરી હતી. તેઓ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા હતા.
ગુજરાતી સાહિત્યમાં પણ વિદ્યાગૌરી નીલકંઠ ઘણા સક્રિય રહ્યા છે. તેમણે ‘ગૃહદીપિકા’, ‘નારીકુંજ’, ‘જ્ઞાનસુધા’ જેવા લેખસંગ્રહો આપ્યાં છે. તેમણે ‘પ્રો. ઘોડો કેશવ કર્વે’ નામે ચરિત્ર લેખન કર્યુ છે. અનુવાદ ક્ષેત્રે પણ તેમનું ખાસ યોગદાન રહ્યું છે, રમેશ દત્તની વાર્તા ‘લેક ઓવ દ સામ્સ’નો ‘ નામે ગુજરાતી અનુવાદ કર્યો છે. તેમજ વડોદરાના મહારાણી દ્વારા લખાયેલ ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઇન્ડિયા’નો ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ નામે અનુવાદ કર્યો છે.
જે સમયમાં છોકરીઓ માટે શિક્ષણની વ્યવસ્થા ન હોય અને સમાજમાં તેના શિક્ષણ માટેનું કોઈ મૂલ્ય ન હોય. તે સમયે શિક્ષણ મેળવી માત્ર સ્નાતક બનવા પૂરતું નહીં પરંતુ સાહિત્યમાં, શિક્ષણ અને સમાજસેવા વગેરે ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન તેમની ઉચ્ચ નિષ્ઠા દર્શાવે છે. 7 ડિસેમ્બર 1958માં તેમનું અવસાન થયું હતુ. તેમની આગવી પરંપરા વિનોદીની નિલકંઠ અને સરોજિની નીલકંઠે આગળ વધારી છે.