અંજારના તબીબને હનીટ્રેપમાં ફસાવનારા આરોપીના રિમાન્ડ મંજુર
ભુજ: પૂર્વ કચ્છના અંજારના ૫૮ વર્ષિય તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાજીવ અરવિંદભાઈ અંજારીયાને હનીટ્રેપમાં ફસાવીને ૩૦ લાખની ખંડણી માંગવાના રાજ્યભરના તબીબી આલમમાં ચકચારી બનેલા પ્રકરણના મુખ્ય આરોપીને આગામી મંગળવાર સુધી રીમાન્ડ પર ધકેલી દેવામાં આવ્યો છે.
આ અંગે આદિપુરના પોલીસ ઇન્સ્પેકટર ડી.જી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી ગુલામ હાજી મૂળ લાકડીયાનો વતની છે અને તેની કહેવાતી પત્ની નર્મદા હકીકતે તેની સ્ત્રી મિત્ર હોવાનો પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. ગુલામ હાજી વિરુધ્ધ ભૂતકાળમાં અંજાર અને માધાપર પોલીસ મથકે મારામારીના બે ગુના નોંધાયેલા છે.ગુલામનો એક ભાઈ મહેબુબ મીર વાગડમાં ‘બારોટ’ અટક ધારણ કરીને લાંબા સમયથી સ્થાનિક ટીવી ચેનલમાં પત્રકાર છે. મહેબુબ અગાઉ રાજ્ય પરિવહનની બસનો કંડક્ટર હતો અને નાણાંકીય ઉચાપત બદલ ફરજ મોકૂફ કરી દેવાયો હતો.
આ પણ વાંચો : “આવ્યા માના નોરતાં” ભુજના આશાપુરા મંદિરે હાથ ધરાયો હર્બલ સફાઈ શ્રમયજ્ઞ…
આધેડ વયના વડનગરા નાગર ગૃહસ્થ ડો. અંજારીયા સામે નિર્વસ્ત્ર થઇ ફસાવનારી મહિલા આરોપી નર્મદા અંતરજાળની જ રહેવાસી છે અને તેના પતિનું નામ દિલીપ વાળંદ છે જે સ્થાનિકે હેરસલૂન ચલાવે છે. હાલ નર્મદા ફરાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુલામ હાજી અને નર્મદાની બેલડીએ આવા અન્ય કેટલાં લોકોને ફસાવ્યાં છે? ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર હાલ ક્યાં છે? વગેરે સહિતના અનેક મુદ્દે આદિપુરના ડીવાયએસપી મુકેશ ચૌધરી તપાસ કરી રહ્યાં છે.