સ્કૂલ ફી ઉપરાંતના ખર્ચમાં લૂંટાતા મા-બાપને રાહતઃ સરકારે કર્યો આ નિર્ણય
ગાંધીનગરઃ રૂ. 500ની ડ્રોઈંગ બુક અને રૂ.30ની પેન્સિલ, રૂ. 100ના કલર આવા તો કેટકેટલાય ખર્ચ માતા-પિતા એક વર્ષ દરમિયાન કરતા હોય છે. દરેક સ્કૂલ ફી ઉપરાંત ઘણી શૈક્ષણિક સામગ્રી બાળકો પાસેથી મંગાવે છે અને તે માટે વાલીઓના ખિસ્સા પર જાણે તરાપ મારવામાં આવતી હોય તેવી સ્થિતિ છે.
ત્યારે ગુજરાત સરકારનો એક નિર્ણય વાલીઓને થોડી રાહત આપે તેવો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયના આધારે રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડે છે. જો આ ઠરાવને માનવામાં નહીં આવે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે આ નિર્ણય RTI એક્ટ 2009 હેઠળ કર્યો છે. વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય શાળાઓ અને CBSE શાળાઓએ NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) અથવા SCERT (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો : શુભારંભઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય-ઉત્તરમાં વરસાદ
આ નિર્ણયનું સખત પાલન થવું જરૂરી છે. નિયમ અનુસાર શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે તેમની માન્યતા મુજબ નિયત શૈક્ષણિક સત્તામંડળ દ્વારા મંજૂર કરવામાં આવી હોય. માન્યતા વગરના પાઠ્યપુસ્તકો, માર્ગદર્શિકાઓ, સ્વાધ્યાય પોથીઓ, નિબંધમાળાઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ શાળાઓમાં પ્રતિબંધિત છે.
જોકે સ્કૂલો દ્વારા યુનિફોર્મથી માંડી, શૂઝ અને સ્કૂલબેગના નામે ઘણો ખર્ચ કરાવવામાં આવે છે. આ સાથે દરેક વસ્તુ માતા-પિતા સ્કૂલમાંથી જ ખર્ચે તેવો આગ્રહ પણ રાખવામાં આવે છે. બીજી બાજુ શિક્ષણનું સ્તર જળવાતું નથી અને બાળકો ટ્યૂશન ક્લાસ કે કૉચિંગ ક્લાસ પર આધાર રાખતા થઈ ગયા છે. આવી સ્થિતિમાં સરકાર નિયમો બનાવે અને તેના કડક અમલ પર ધ્યાન આપે તે બન્ને બાબતો જરૂરી બની જાય છે