આપણું ગુજરાત

ધોરણ 1 થી 5 ની 7000 શિક્ષકોની ભરતી રદ, મેરિટ ગણતરીમાં ગડબડ થવાથી લેવાયો નિર્ણય!

ગાંધીનગર: રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટેની 7000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. 22 મે થી 31 મે, 2025 દરમિયાન ચાલેલી આ પસંદગી પ્રક્રિયા મેરિટની ગણતરીમાં થયેલી ગંભીર ભૂલને કારણે રદ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણયથી ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા 31 મે, 2025ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભરતી સમિતિ દ્વારા મેરિટ ગણવામાં મોટી ચૂક

મળતી વિગતો અનુસાર, ભરતી સમિતિ દ્વારા મેરિટ ગણવામાં મોટી ચૂક થઈ હતી. વર્ષ 2017 નો ઠરાવ સ્પષ્ટ હોવા છતાં, ભરતી સમિતિએ તેનું અર્થઘટન પોતાની રીતે કર્યું અને ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યરના ગુણના આધારે મેરિટ ગણ્યું હતું. આ પ્રક્રિયા રદ્દ કરવા પાછળનું કારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં ઉદ્ભવેલી સમસ્યા છે. આ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર “રિઝલ્ટ” શબ્દનો ઉલ્લેખ હોવાને કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢવામાં ભૂલ થઈ હતી. આના પરિણામે ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થવાની અને અસંતોષ ઊભો થવાની શક્યતા હતી.
આ ભૂલના કારણે આખી ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોને છે અઢળક અડચણો: કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું…

આગામી ભરતી પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટતા નહીં

આ ઘટનાથી ભરતી સમિતિની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, અને તેની ભૂલનો ભોગ હવે નિર્દોષ ઉમેદવારો બની રહ્યા છે. મેરિટ ગણતરીમાં થયેલી આ ગંભીર ભૂલને કારણે આખી પ્રક્રિયા ફરીથી હાથ ધરવી પડશે, જેનાથી ઉમેદવારોની ધીરજની ફરી પરીક્ષા થશે. નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button