કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

કચ્છમાં માર્ચ મહિનામાં પણ વિક્રમજનક ઠંડી

નલિયા નવ ડિગ્રી રાજ્યનું સૌથી ઠંડું મથક

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ અને દેશના પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે બરફવર્ષાને લઈને સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી કચ્છમાં હાડ થીજાવતી ભારે ટાઢક પ્રસરી છે અને કચ્છમાં મહત્તમ અને લઘુતમ એમ બંને તાપમાનના આંકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને માર્ચ મહિનામાં પણ રણપ્રદેશ કચ્છને શિયાળાએ બાનમાં લેવાનું જાણે શરૂ કરી દીધું છે.
આજે જિલ્લા મથક ભુજ ખાતે લઘુતમ તાપમાન 13 ડિગ્રી જયારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન 9 ડિગ્રી સે.નોંધાયું હતું અને તેની સાથે મહત્તમ તાપમાન પણ આજે ભુજ ખાતે 27 ડિગ્રી સે.અને નલિયા ખાતે 24 ડિગ્રી સે. રહેવા સાથે ઠંડીએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.
આજે પણ ભુજનું તાપમાન નેપાળની રાજધાની કાઠમંડુ, જર્મનીના બર્લિન, ઓસ્ટે્રલિયાના મેલબોર્ન તેમજ લેટિન અમેરિકાના તાપમાનની સમકક્ષ ઠંડુ રહ્યું હતું. અલબત્ત દક્ષિણ-પશ્ચિમ દિશાએથી વાતા પવનોની ઝડપ ઘટીને 6-7 કિલોમીટર પ્રતિ કલાકની થઇ જતાં ડંખીલા ઠારની માત્રા પ્રમાણમાં ઓછી વર્તાઈ હતી. નોંધનીય છે કે, માર્ચ મહિનામાં આ પ્રકારનું ઠંડી-ગરમી અને વરસાદ સાથેનું વિચિત્ર તાપમાન વિક્રમજનક છે અને છેલ્લા સો વર્ષોમાં આવું થવા પામ્યું નથી. એક વર્ષ અગાઉ ભુજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તેની સામે આજે તે ઘટીને 13 ડિગ્રી જેટલું નોંધાતા તેમાં 27 ડિગ્રી સે.જેટલો આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. હવામાન શાસ્ત્રીઓના મતે આ પ્રકારનું વિચિત્ર વાતાવરણ રાજ્યને મહાશિવરાત્રી પર્વ સુધી સતાવશે. બીજી તરફ, અખાતી દેશોમાં પણ આ વખતે ઠંડી અને કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે જેની અસર કચ્છમાં પણ વર્તાઈ રહી હોવાનું જણાવાયું છે. કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનમાં ખાનાખરાબી સર્જે તેવો કમોસમી વરસાદ થયો હતો જેથી અચાનક આવી ચઢેલા ટાઢોડાએ બંને દિશાએથી સૌરાષ્ટ્ર અને કચ્છને ઝપટમાં લીધું છે. ત્રેવડી ઋતુનો માર વચ્ચે શરદીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે તેથી લોકોને આરોગ્ય પ્રત્યે સભાન રહેવા તબીબો સલાહ આપી રહ્યા છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button