Surat માં હીરા ઉધોગમાં મંદીની અસર શિક્ષણ પર પડી, આટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચે શિક્ષણ છોડ્યું

ગુજરાતનું ડાયમન્ડ હબ ગણાતા સુરતનો(Surat)હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝીલી રહ્યો છે. જેના પગલે હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો પણ બેકાર બન્યા છે. ત્યારે હવે આની સીધી અસર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ પર પડી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સરકારી શાળામાં ભણતા 603 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે.
દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ સ્કૂલ લિવિંગ લીધા
આ અંગે સુરત શહેર શિક્ષણ સમિતિના પ્રમુખે જણાવ્યું છે કે, દિવાળી વેકેશન બાદ 603 વિદ્યાર્થીએ સ્કૂલ લિવિંગ લઈ લીધા છે. જેમાં સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ વધ્યુ છે. જોકે, મફત શિક્ષણ આપતી શાળામાંથી પણ વિદ્યાર્થીઓએ શાળા છોડતા અનેક સવાલ ઉદભવ્યા છે. જ્યારે શિક્ષણ સમિતિએ તપાસ કરતા હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીનું કારણ સામે આવ્યુ છે.
મંદીના લીધે રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો નોંધાયો
શિક્ષણ સમિતિના પ્રમુખે આ બાબતને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે સરકાર અને શિક્ષણ વિભાગને આ બાબતે જાણ કરાશે. જો કે સમગ્ર મામલે ડાયમંડ યુનિયનના ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હાલ હીરા ઉદ્યોગના છેલ્લા 50 વર્ષની સૌથી ભયાનક મંદી છે. તેમજ દિવાળી બાદ મંદીના લીધે રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના લીધે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. મંદીના મારને લીધે રત્નકલાકારો તેમના બાળકોને પણ ભણાવી શકે તેમ નથી.
Also read: સુરતમાં નશામાં ધૂત આસિસ્ટન્ટ એન્જિનિરે સર્જ્યો અકસ્માત: પોલીસે ધરપકડ કરી…
સત્વરે મદદ નહીં મળે તો હાલત કફોડી બનશે
હાલ મંદીની વચ્ચે અનેક રત્નકલાકારોએ વતનની વાટ પકડી છે અને એટલે જ તેઓએ શાળાઓમાંથી બાળકોના સ્કૂલ લિવિંગ લઈ લીધા છે. રત્નકલાકારોનું કહેવું છે કે જો સત્વરે મદદ નહીં મળે તો તેમને અને પરિવારજનોની સ્થિતિ કફોડી બનશે. સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ગોવિંદ ધોળકિયાનું પણ નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે હીરા ઉદ્યોગ અનેકવાર મંદીમાં ફસાયો છે અને તેમાંથી બહાર આવ્યો છે. જો કે આ વખતની મંદીને પણ ગંભીર ગણાવી છે. ઉદ્યોગપતિઓ તો મંદીમાંથી બહાર નીકળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.