અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈ કોર્ટે આપ્યો ઝટકો, જાણો વિગત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈ કોર્ટે આપ્યો ઝટકો, જાણો વિગત

અમદાવાદ/ગોંડલઃ સમગ્ર ગુજરાતમાં ચકચારી રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. 3 મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ભાગેડુ આરોપી છે. ગોંડલ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ તેણે ગુજરાત હાઇ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

ફરિયાદ ચાર આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે. જ્યારે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં એક સગીર આરોપી છે. ચાર્જશીટ મુજબ અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ આરોપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અમિત ખૂંટે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી. વળી અમિત ખૂંટે પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને કરાયેલી સજા માફ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ ગૃહ ખાતામાં અરજી કરી હતી.

આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી…

રાજદીપસિંહે રહીમ મકરાણી મારફતે સગીરાનો ઉપયોગ કરી અમિત ખૂંટને ફસાવવા કાવતરું કર્યું હતું. રહીમ મકરાણી સગીરાના સોશિયલ મીડિયાના આઈડી, પાસવર્ડ મેળવી અમિત ખૂંટ સાથે વાતચીત કરીને તેને ફસાવ્યો હતો. આરોપી રહીમ મકરાણી અને વકીલો દિનેશ પાતર તેમજ સંજય પંડિતે મૃતક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અનિરુદ્ધસિંહ અને રાજદીપે આ કાવતરા પાછળ પૈસા વાપર્યા હતા. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button