weather: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી દેખાતું, આ છે કારણ
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્મારક કેવડીયામાં એન્ટર થતા જ દેખાય જાય છે, પરંતુ હાલમાં તો આ પરિસરની નજીકથી પણ નથી દેખાતું અને તેનું કારણ બીજું કંઈ નહીં, પણ ગાઢ ધુમ્મસ છે. કેવડીયા સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું હોય છે. ઠંડીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. જોકે, શહેરોમાં અને ગીચ વિસ્તારોમાં જોઈએ તેવી ઠંડી વરતાતી નથી. અમદાવાદમાં બપોરે તાપમાન 24 ડિગ્રી જેટલું નોંધાય છે.
આજે કેવડીયા ગયેલા પર્યટકોના જણાવ્યા અનુસાર અહીં ગાઢ ધુમ્મસ છે. વાહનો ચલાવવામાં મુશ્કેલીઓ આવી રહી છે. દૂરથી સ્ટેચ્યુ ખૂબ જ ધૂંધળું દેખાય છે. ધુમમ્સના કારણે વાહન ચાલકોને દિવસે પણ લાઈટો ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ છે આ સાથે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટીને 100 મીટર થઈ ગઇ છે. રાજ્યના અનેક વિસ્તારમાં જાન્યુઆરી મહિના દરમિયાન માવઠું થવાની પણ શક્યતાઓ છે.
ત્યારે રાજ્યમાં શહેરોમાં સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં તાપમાન 16.2 ,ગાંધીનગરમાં 13.5, ભુજ 12.5 ડિગ્રી તાપમાન, કંડલા 13.7 ડિગ્રી તાપમાન, અમરેલી 12.9 ડિગ્રી તાપમાન, પોરબંદર 13.7 ડિગ્રી, રાજકોટ 12.6 ડિગ્રી તાપમાન અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગત વર્ષની સરખાણીમાં આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. બપોરનું તાપમાન ઘણીવાર એક કે બે તો ઘણાવાર ચાર-પાંચ ડિગ્રી વધી જાય છે. આ સાથે પ્રદૂષણને લીધે લોકો વધારે તકલીફ ભોગવી રહ્યા છે.