બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ
અંકલેશ્વર: હાલ ગુજરાતના અંકલેશ્વરથી સોશિયલ મીડિયામાં વેરક થયેલા એક વિડિયોએ સરકાર દ્વારા થતી મોટી મોટી વાતોની સામે વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે. હાલ મળી રહેલી વિગતો અનુસાર અંકલેશ્વરની એક કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યું માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા. આ યુવાનોની ભીડ એટલી વધી ગઇ હતી કે રેલીંગ પણ ધકાકામુક્કીમાં તૂટી પડી અને યુવાનો નીચે પટકાયા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભરુચના અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના નવા પ્લાન્ટ માટે 42 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે માત્ર 42 જગ્યાઓ માટે લગભગ 1800 જેટલા યુવાનો સ્થળ પર એકઠા થઈ ચૂક્યા હતા. જો કે આ દરમિયાન જ ભીડ એટલી વધી ગઇ કે તેને કાબૂ કરવી પણ મુશ્કેલ થઈ પડી. આ દરમિયાન યુવાનોની ભીડથી ધક્કામુક્કી સર્જાય હતી અને જે બાજુ વધુ ભીડ જામી હતી ત્યાંની રેલિંગ તૂટી પડી હતી.
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો અને લાખો યુવાનોને રોજગારી આપવાનું વચન પણ આપેલું તેમ છતાં ભરુચ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ખૂબ મર્યાદિત પોસ્ટ માટે યુવાનોની આટલી ભીડ એકઠી થાય તે સાચું ચિત્રણ કરી બતાવે છે. તેમણે ભાજપ સરકાર પર આરોપ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલ સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાધાન્યતાના કાયદાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની ટેક્સ માફી કરવામાં આવે છે, અબજો રૂપિયાની જમીન બારોબાર લેવાની અને નોકરી આપવા માટે ઠેંગો બતાવવાનો.
તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે વાઇબ્રન્ટથી માત્ર ભાજપના મળતીયાઓને જ ફાયદો થયો છે. જ્યારે વાઇબ્રન્ટ થયો છે ત્યારે ભાજપની તિજોરી ભરાઈ છે. તેમેન કહ્યું હતું કે જઓ સરકારની નિયત સાફ હોય તો તેમણે બતાવવું જોઈએ કે કેટલી કંપનીઓને જમીન આપવામાં આવી અને કેટલા ગુજરાતીઓને નોકરી આપવામાં આવી.