Rajkot સોસાયટીમાં કે આસપાસમાં સ્વિમિંગ પૂલ હોય તો આ ખાસ વાંચજો
રાજકોટઃ આજકાલ ખૂબ જ પૉશ રેસિડેન્સીમાં રહેવાનું લોકો પસંદ કરે છે. કરોડોના ખર્ચે મળતા આ ફ્લેટમાં જીમથી માંડી સ્વિમિંગ પૂલ સુધીની તમામ સુવિધાઓ હોય છે, પરંતુ ઘણીવાર એવા કિસ્સા બને છે કે આ સ્વિમિંગ પૂલમાં તરતા તરત ધ્યાન ન રહેતા બાળકો કે ઘણીવાર પુખ્તવયના રહેવાસીના પણ જીવ ગયા હોય.
રાજકોટ શહેરમાં આવી એક કરૂણ ઘટના ઘટી છે. અહીં માતા-પિતા અને સોસાયટીઓમાં રહેતા કે બાળકોને ક્લબ હાઉસમાં સ્વિમિંગ પૂલમાં લઈ જતા તમામ માટે ચેતવણી સમાન ઘટના ઘટી છે.
શેહરના રૈયા રોડ નજીક શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં નેપાળી પરિવારની બે બાળકીના ડૂબી જવાથી મોત થયા છે. બન્ને માસૂમના મોત થતાં તેમના પરિજનો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે.
પોતાને દેશ છોડી અહીં પેટીયું રળવા આવેલા નેપાળી પરિવારની બે દીકરીઓના જીવ ગયા છે. દીકરીઓના નામ પ્રકૃત ગોકુળ ચાંદ અને મેનુકા પ્રકાશ સીંઘ હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત એ ચે કે તેમની ઉંમર ત્રણ વર્ષ આસપાસની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવી નાની ઉંમરની છોકરી સ્વિમિંગ પૂલ પાસે કઈ રીતે પહોંચી તે સવાલ છે. બન્ને સ્વિમિંગ પૂલ પાસે મસ્તી કરી રહી હોવાનું જાણવા મળે છે. ઘણી સોસાયટીઓમાં બાળકો માટે નાના-છીછરા સ્વિમિંગ પૂલ પણ હોય છે, તેમ છતાં ત્રણ વર્ષની બાળકીઓને એકલી મૂકી કેમ જઈ શકાય તે સવાલ છે.
જોકે આ પહેલો કિસ્સો નથી. અગાઉ રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં આવી ઘટનાઓ ઘટી ચૂકી છે. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં અમૃત લોકેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ.4) રમતા-રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું.