Statue of Unity ફરવા જતા પહેલા આ વાંચી લો, ડભોઈનો બ્રિજ બંધ રહેશે, આ રસ્તે ડાયવર્ઝન અપાયું
![Read before visiting Statue of Unity, Dabhoi Bridge will remain closed](/wp-content/uploads/2024/04/statue_of_unity_sardar_patel-U205730969126CB-621x414@LiveMint-1.webp)
વડોદરાઃ જિલ્લાના ડભોઈના સરિતા ફાટક બ્રિજ આજથી સાત દિવસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ડભોઈ ખાતે આવેલા સરિતા ફાટક બ્રીજના રસ્તાનો વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. આ જાહેરનામાનું અમલ આજ 14 જૂનથી 20મી જૂન 2024 સૂધી સાત દિવસ માટે રહેશે. જાહેર જનતાને ડાયવર્ઝનવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે કાયદાની લાગુ પડતી જોગવાઈ અન્વયે વાહન વ્યવહારના સરળ નિયમન માટે ડભોઈ ખાતે આર.ઓ.બી. એલ.સી. સરિતા ફાટક બ્રીજ જાહેર જનતાના વાહન વ્યવહાર માટે આજથી 20મી જૂન 2024 સુધી પ્રતિબંધ જાહેર કર્યો છે. તથા આ રૂટ પરના વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જેમાં વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટેનો રૂટ (ભારે વાહનો માટે)વડોદરા-કપુરાઈ ચોકડી-થુવાવી જંકશનથી રાજલી ચોકડીથી મંડાળા ચોકડી થઈને થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટેનો રૂટ (હળવા વાહનો માટે) વડોદરા-કપુરાઈ ચોકડી-ફરતીકુઈ ગામ થઈ નડા ગામ થઈ થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.
કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટેનો રૂટ (ભારે વાહનો માટે) કેવડીયા થી બુજેઠા પાટીયાથી શિનોર ચોકડીથી થરવાસા ચોકડીથી મંડાળા ચોકડીથી રાજલી ચોકડી (થુવાવી જંકશનથી) વડોદરા તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે. કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટેનો રૂટ (હળવા વાહનો માટે) રાજપીપળા થી સેગવા ચોકડી-શિનોર ચોકડી-થરવાસા ચોકડી-નડા ગામ-ફરતીકુઈ ચોકડી થઈ વડોદરા શહેર તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.