રાજ્યમાં કોરોનાની ફરી એન્ટ્રી! વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડના 3 કેસ, તંત્ર એલર્ટ બન્યું
કોરોનાના હાહાકારને કોણ ભૂલી શકે? ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓ કોવિડની સારવાર માટે દાખલ થયા છે. વડોદરામાં કોવિડના ત્રણ કેસ નોંધાતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. જો કે હાલમાં કોઈ પણ દર્દીની સ્થિતિ ચિંતાજનક બની નથી અને સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં અમદાવાદમાં પણ બે કોરોનાના કેસ સામે આવ્યાં હતાં.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાના ત્રણ કેસ એકસાથે આવતા તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં 3 કેસ કોવિડ અને બે કેસ H1N1ના એટલે કે સ્વાઈન ફ્લૂના નોંધાયા છે. હાલમાં તમામ દર્દીઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.
હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાના 5 પોઝિટિવ દર્દી સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે નોંધાયેલા 3 દર્દી પૈકી છાણી જકાતનાકાના 45 વર્ષીયના દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે આજવા રોડના 59 વર્ષીય વૃદ્ધને બાયપેપ તથા નવાયાર્ડના 65 વર્ષીય વૃદ્ધની નેઝલ-ઓક્સિઝન પર સારવાર ચાલી રહી છે. હાલ ત્રણેય દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરના જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા 3 કેસ નોંધાયા હતા. છાણી જકાતનાકાનો એક યુવક તથા આજવા રોડ અને નવાયાર્ડના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ત્રણેયને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. ગુરુવારે પણ 2 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેઓની પણ સારવાર હાલ ચાલી રહી છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સ્થિતી અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, કોરોનાના ત્રણ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે અને સામાન્ય સ્થિતિમાં છે, જો કે આમાં કોઈ ચિંતાનો વિષય નથી.