પંચમહાલથી CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ: ૩ લાખ ખેડૂતોને ૫૦૦ કરોડની સહાય...
Top Newsઆપણું ગુજરાત

પંચમહાલથી CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ: ૩ લાખ ખેડૂતોને ૫૦૦ કરોડની સહાય…

કૃષિ વૈજ્ઞાનિકોનું જ્ઞાન, ખેડૂતોનું સન્માન: ૧૪ અને ૧૫ ઓક્ટોબરે ૨૬૧ સ્થળોએ યોજાશે રવિ કૃષિ મહોત્સવ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને “કૃષિ વિકાસ દિન” તરીકે ઉજવવામાં આવશે. આ દિવસ દરમિયાન ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ ક્ષેત્ર અને રાજ્યના ખેડૂતોને સમર્પિત આ “કૃષિ વિકાસ દિન”ના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ ૨૬૧ સ્થળો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને તેનો શુભારંભ કરાવશે. આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના આશરે ૩ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.

તેમણે કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૫ લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની સહાયના મંજૂરી પત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.

વધુમાં, રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને તેમના વિસ્તારમાં રવી ઋતુમાં વાવેતર કરવાના થતા પાકો અંગે તકનીકી માર્ગદર્શન ઉપરાંત પ્રાકૃતિક ખેતી, બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ, પ્રગતિશીલ ખેડૂતો અને FPOના પ્રતિનિધીઓ દ્વારા પણ વિવિધ વિષયો પર વક્તવ્યો આપવામાં આવશે.

આ મહોત્સવમાં ખેડૂતોને રવિ પાકોના વાવેતર માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અંગે જાગૃત કરવા માટે પાક પરિસંવાદ, નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે અને ખેતીને લગત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ નિષ્ણાતો-પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પૂરું પાડવામાં આવશે. આ બે દિવસ દરમિયાન પશુપાલન ખાતાએ પણ વિવિધ સ્થળોએ નિ:શુલ્ક પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે, જેનો પશુપાલકો લાભ લઇ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કૃષિ પ્રધાને આગળ વાત કરતાં કહ્યું હતું કે, રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળો ખાતે પ્રગતીશીલ ખેડૂતોના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતીના આયામો, ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક કૃષિ તકનીક, કૃષિ તેમજ જમીન ચકાસણી, ખેડૂત ઉપયોગી સંશોધનો દર્શાવતા તેમજ ન્યૂ-એજીસ ફર્ટીલાઇઝરના વપરાશ માટે ખેડૂતોમાં જાગૃતિ કેળવતા વિવિધ પ્રદર્શનો સહિત કુલ ૨,૮૦૦ પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિસન સમ્માન નિધિ યોજના અંતર્ગત લેંડ સીડીંગ, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ઇ-કેવાયસી અને સેલ્ફ રજીસ્ટ્રેશન બાબતના સ્ટોલ તથા ફાર્મ મિકેનાઈઝેશન, એગ્રો પ્રોસેસીંગ માટેના યંત્ર અને ઓજારોના સ્ટોલનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો…વિકાસ સપ્તાહઃ રાજ્યમાં 24 વર્ષમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button