આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

Bhavnagarમાં કાલે નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા, શહેર પોલીસ છાવણીમાં તબદીલ

ભાવનગરઃ શહેરમાં પરંપરા મુજબ આવતીકાલે અષાઢ સુદ બીજનાં પર્વે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે કાસ્ટના રથમાં બિરાજમાન થઈ ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપશે. ભાવનગરના પરંપરાગત રૂટ પર રથયાત્રા ફરશે સાથે હાથી, ઘોડા, અખાડા, રસ મંડળીઓ વિગેરે આકર્ષણો સાથેની રંગદર્શી રથયાત્રામાં 100 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 છક્ડા વિગેરે વાહનો અને ફલોટો જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ યોજાય એ માટે પોલીસ તંત્ર સમેત સુરક્ષા દળો ખડેપગે રહેશે. ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમે આવતી ભાવનગરની રથયાત્રા પર રાજયના ગૃહ વિભાગ દ્વારા સતત નજર રહેતી હોય છે. આમ, રથયાત્રા આયોજક સમિતિ અને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. બીજી બાજુ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના દર્શન માટે સમગ્ર ભાવનગર ભાવવિભોર અને આતુર જણાય છે. ભગવાનને વધાવવા ઠેર ઠેર સ્થળોએ આયોજન કરાયા છે.

હિન્દુ શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે વર્ષમાં એકવાર ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપે છે. મૂળ પુરીના જગન્નાથજી મંદિરની આ પરંપરા ભાવનગરમાં અયોધ્યાથી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં નીકળેલી ભગવાન રામ જાનકીની રથયાત્રાની પ્રેરણાથી શરૂ થઈ હતી. ભાવનગરમાં સ્વ. શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ ૩૮ વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે.

આ વર્ષે ૩૯મી રથયાત્રા તા.૦૭ ને રવિવારના રોજ સવારે ૮ કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ 17 કી.મી. માર્ગ પર પરંપરાગત રૂટ પર ફરશે અને ભગવાન ભક્તોને દર્શન આપશે. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે શાસ્ત્રોકત વિધિ કરી રથમાં ભગવાનની મૂર્તિઓની સ્થાપના પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા” વિધિ તથા પહિન્દ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. સમગ્ર રૂટ પર ભગવાનના યાંત્રિક રથને ભોઈ સમાજના યુવાનો દ્વારા દોરડા વડે ખેંચીને લઈ જવામાં આવશે.

શરૂઆતના 5 વર્ષ રથયાત્રા કમલેશ્વર મહાદેવથી યોજાતી રહી, ૧૯૯૧માં યાત્રાનું પ્રસ્થાન સ્થળ ગોળીબાર હનુમાન મંદિર કરવામાં આવ્યું અને ૧૯૯૨થી ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી આ યાત્રાની પ્રસ્થાનની શરૂઆત થઈ.
ગુજરાતની નવરાત્રિ હવે ગ્લોબલ બની ચૂકી છે, ‌મહારાષ્ટ્રનો ગણેશોત્સવ હવે ગુજરાતના શહેરો અને ગામડાઓમાં પણ સાર્વજનિક મહોત્સવ સ્વરૂપે ઉજવાઈ રહ્યો છે. આ જ રીતે ઓરિસ્સાની પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાતના અમદાવાદ જ નહીં પરંતુ ભાવનગર સહિત અનેક શહેરો અને તાલુકા મથક અને ગામડાઓમાં પણ પહોંચી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button