Rathyatra: ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રસોડાં ધમધમ્યાં, લાખો ભક્તોને જૂની પરંપરાથી ભોજન પીરસાશે

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈને રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા(Ahmedabad Rathyatra) નગરચર્યાએ નીકળશે, જેને આડે હવે ફક્ત ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતા સ્વાગતા કરવામાં મગ્ન થઈ ભક્તોને ભોજન પીરસે છે.
અમદાવાદમાં શહેરના સરસપુરમા દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે રથયાત્રાને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 12 જેટલી પોળમાં રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદી-ભોજન રાખવામાં આવે છે.
કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જે કોઈ સરસપુરમાં જાય તે ભોજન-પ્રસાદ લીધા વિના પરત ફરતા નથી. દરેક પોળમાં, દરેક શેરીમાં અને દરેક ગલીમાં ભક્તોને પ્રસાદી મળી રહે છે. હજુ પણ સરસપુરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે.
સરસપુરમાં આવેલી લુહાર શેરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો બટાટાંનું શાક અને 1000 કિલો લોટની પૂરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારના 11:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી, જ્યાં સુધી પ્રસાદ-ભોજન હોય ત્યાં સુધી ભક્તોને પીરસવામાં આવે છે. પંગતમાં બેસાડીને જમાડવા માટે શેરીનાં બાળકોથી લઈને મહિલાઓ અને વૃદ્ધો પણ સેવામાં જોડાય છે. લગભગ 200 જેટલા લોકો આ સેવાયજ્ઞમાં જોડાય છે અને ભક્તોની સેવાનો લાભ લે છે.