રસરંગ લોકમેળામાં ત્રીજા દિવસે ત્રણ લાખની મેદની: પોલીસે ૩૫ બાળકોનું કુટુંબ સાથે પુનર્મિલન કરાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટના રસરંગ લોકમેળાના ત્રીજા દિવસે લાખોની મેદની ઉમટી હતી. જન્માષ્ટમીના દિવસે ત્રણ લાખથી વધુ લોકોએ આ લોકમેળાની મુલાકાત લીધી હતી. પોલીસે વિખુટા પડેલા ૩૫ બાળકોનું મિલન કરાવ્યું હતુ. ઉપરાંત ગુમ થયેલા ૨૫ મોબાઇલ અને પાંચ પાકીટ શોધી આપ્યા હતા. તેમ જ ૨૮ અસામાજિક તત્વોને પણ પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટમાં રેસકોર્સ ખાતે યોજાઈ રહેલા રસરંગ લોકમેળામાં ત્રણ દિવસમાં પાંચ લાખ કરતાં વધુ લોકો ઉમટ્યા હતા. દિવસની જેમ રાત્રી દરમિયાન પણ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા આવતા જોવા મળ્યા હતા. શુક્રવારે પણ રજાનો દિવસ હોવાથી બેથી ત્રણ લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રસરંગ લોકમેળાની મુલાકાત પાંચ દિવસમાં દસ લાખથી પણ વધુ લોકો લે એવો તંત્રનો અંદાજ છે. રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા પહોંચ્યા હતા. માનવ મહેરામણનો અદભુત આકાશી નજારો પણ જોવાલાયક છે. મોટી સંખ્યામાં લોકો મેળો કરવા માટે ઉમટ્યા હતા અને વિવિધ ચકરડી, મોતનો કૂવો, ઝૂલા સહિતની અવનવી રાઇડસની મજા લોકોએ માણી હતી.