રાપરમાં યુવતી પર દુષ્કર્મ આચરનારો નરાધમ મોબાઈલ લોકેશનના આધારે ઝડપાયો
ભુજઃ ગુજરાત સહિત રાજ્યમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન કેટલીક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને લઈ રાજ્યમાં બહેન-દીકરીઓ સલામત હોવાના બણગાં ફૂંકતા તંત્ર પર સવાલો ઉભા થયા છે. વડોદરા અને સુરતમાં નવરાત્રી દરમિયાન બનેલી દુષ્કર્મની ઘટનાની સ્યાહી તાજી છે ત્યાં કચ્છના રાપરમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો.
કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ખાતે નવરાત્રીમાં મહાલ્યા બાદ તબિયત લથડતાં મિત્ર સાથે આવેલી ૧૮ વર્ષની યુવતી પર એક પેવર બ્લોકના કારખાનામાં દુષ્કર્મ આચરનારા નરાધમને પોલીસે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.
કેવી રીતે બનાવ બન્યો હતો
દુષ્કર્મનો બનાવ ગત રવિ અને સોમવારની રાત્રે એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર યુવતી તેની માતા સાથે આડેસરમાં પેટ્રોલ પંપ પાસે આયોજીત ગરબી જોવા ગઈ હતી. મોડી રાત્રે સાડા બારેક વાગ્યે તેણીની માતા ઘરે પરત ચાલી ગઈ હતી અને ભોગ બનનારી યુવતી મિત્રો સાથે ગરબી જોવા રોકાઈ ગઈ હતી. થોડા સમય બાદ યુવતી ઘરે પરત જતી હતી ત્યારે ઘર નજીક પેવર બ્લોકના કારખાના પાસે એકાએક તેને ચક્કર આવતાં કારખાના બહાર પડેલાં કપચીના ઢગલાં પર બેસી ગઈ હતી.
યુવતીને કપચી પર બેસેલી જોઈને કારખાનામાં કામ કરતો સંજય નામનો ઓળખીતો યુવક સંજય ત્યાં આવ્યો હતો અને યુવતીને કારખાનાના રૂમમાં પાણી પીવડાવવા લઈ ગયો હતો. ત્યારબાદ કારખાનાનો માલિક પ્રવિણ ત્યાં ભરત નામના યુવક સાથે આવ્યો હતો અને તેણે સંજય અને ભરતને રૂમમાંથી બહાર કાઢી મૂકીને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. અવાક થઇ ગયેલી યુવતીને અપશબ્દો કહી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીની બૂમો સાંભળીને બહાર રહેલા બંને યુવકોએ દરવાજો ખોલાવવા માટે જોરજોરથી ખખડાવતાં હતા પરંતુ પ્રવિણે દરવાજો ખોલ્યો નહોતો. ઘટના બાદ ડરી ગયેલી યુવતી રાડારાડ કરતી ઘરે દોડી જઈ માવતરને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી અને વહેલી સવારે માવતર સાથે પોલીસ મથકે આવી કારખાનાના માલિક પ્રવિણ વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આડેસરના પી.આઈ એ શું કહ્યું?
આડેસર પી.આઈ જે.એમ.વાળાએ જણાવ્યું કે, મોબાઈલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો.