આપણું ગુજરાતકચ્છભુજરાપર

રાપરના આડેસરમાં ગરબી જોઈ મોડી રાત્રે ઘરે જઈ રહેલી યુવતી પર બળાત્કારથી ચકચાર…

ભુજ : વડોદરા અને સુરતમાં કિશોરીઓ સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી તેવામાં કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી દલિત યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ ગુજારતાં ભારે ચકચાર મચી છે.

એક તરફ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા કચ્છમાં આવ્યા હતા એ દરમ્યાન શર્મસાર કરતી આ ઘટના અંગે પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આડેસરમાં રહેતી ૧૮ વર્ષની યુવતી ગત ૭-૧૦-૨૦૨૪ની રાત્રે ૧ વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરતી હતી તે સમયે તેણીને અચાનક ચક્કર આવતા સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો હતો.

યુવક યુવતીને એકલાં જોઈને કારખાનામાં રહેલા પ્રવિણ કરસન રાજપૂત નામના શખ્સે યુવતીની મદદ માટે સંજય સાથે આવેલા ભરત નામના અન્ય યુવકને રૂમની બહાર કાઢી મૂકીને દરવાજો બંધ કરીને યુવતીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ઉમેર્યું હતું કે, આરોપી પ્રવિણ વિરુધ્ધ થોડાંક મહિના અગાઉ ગેરકાયદે વ્યાજખોરી બદલ ફરિયાદ નોંધાયેલી છે.

બનાવ અંગે ગત રાત્રે યુવતીએ આડેસર પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

નોંધનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યાં છે ત્યારે જ દુષ્કર્મનો બનાવ બહાર આવતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button