Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ
અમદાવાદ : ગુજરાતના રાજકોટના(Rajkot)ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ (Swaminarayan)ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સ્વામી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહિલા પર દુષ્કર્મ આચરતા હોવાની બાબત સામે આવી છે. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં એક અખબારના અહેવાલ મુજબ નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. આ વખતે ધરમપ્રસાદ સ્વામીએ ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાની બાબત ખૂલી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
જેમાં મળતી માહિતી મુજબ ફેસબૂકના માધ્યમથી યુવતી ધરમપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવી હતી. યુવતીને લગ્નની લાલચ આપી ધરમપ્રસાદ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ હવે રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં જે.પી. સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડોદરામાં વાડીના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થિની સાથે જે.પી. સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે. જેના પગલે પોલીસે પૂર્વ કોઠારી જગત પાવનદાસ સ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ફરિયાદના પગલે સંપ્રદાયને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.