રણોત્સવમાં હવે સહેલાણીઓ આ નજારો પણ માણી શકશે
કચ્છઃ વર્ષો પહેલા કોઈએ નહીં વિચાર્યું હોય કે કચ્છના સફેદ રણમાં ઉત્સવ યોજી શકાય અને દેશના જ નહીં વિદેશના સહેલાણીઓને પણ આકર્ષી શકાય. તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં પર્યટકો માટે રણોત્સવનું આયોજન કરી સૌને અંચબામાં પાડી દીધા અને ગુજરાતના પર્યટનને અલગ ઓપ આપ્યો. અત્યાર સુધીમા લાખો સહેલાણીઓ આ જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે તેમાં એક અલગ આકર્ષણ ઉમેરાયું છે. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ.
આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ આવરી લેવાયા છે. કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર સફેદ રણમાં આવેલા વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઈટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની એ ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે. કચ્છના આંગણે યોજાતો રણોત્સવએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે.
આ લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ. ૭.૨૯ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલ પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ ૧૮ મિનીટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે ૨૫૦ માણસો બેસીને નિહાળી શકાશે.