આપણું ગુજરાત

બાકી પગાર માગવા આવેલા દલિત યુવકને હડધૂત કરનાર ‘રાણીબા’ જેલમાં જશે

મોરબી: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી એક દલિત યુવકના અપમાનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામથી કંપની ચલાવતી વિભૂતિ પટેલ નામની મહિલા દ્વારા પોતાનો બાકી પગાર માગવા આવેલા દલિત યુવકને જાતિગત ટિપ્પણી તથા ઢોરમાર મારી અપમાનિત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

ધરપકડથી બચવા માટે પોતાને ‘રાણીબા’ કહેવડાવતી વિભૂતિ પટેલ સહિત કંપનીના અન્ય સભ્યો કે જેઓ આ દલિત યુવકને ત્રાસ આપવામાં સામેલ થયા હતા તે મળીને કુલ 5 લોકોએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેને મોરબીની કોર્ટે ફગાવી દીધી હતી. આથી વિભૂતિ પટેલે હવે જેલના સળિયા ગણવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ વિભૂતિ પટેલનું સ્થાનિક રાજકારણમાં એક પ્રકારે વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, તેમના સોશિયલ મીડિયામાં પણ ભાજપના મહિલા નેતાઓ સાથેના ફોટો, ભાજપની રેલીમાં ભાગ લેતા હોય તેવો તેમનો વીડિયો સહિત અનેક પોસ્ટમાં તેઓ આડકતરી રીતે ભાજપ સાથે સંકળાયેલા હોય તેવી વિગતો જાણવા મળી રહી છે.

મૂળ ઘટનાની વિગતો એવી છે કે વિભૂતિ પટેલની કંપની ‘રાણીબા ઇન્ડસ્ટ્રીઝ’ના એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા દલિત યુવક નિલેશ દલસાણિયાએ પોતાનો અમુક દિવસોનો બાકી પગાર માગતા તેને વિભૂતિ સહિત કંપનીના લોકોએ ઓફિસમાં બોલાવી તેને બેરહમીપૂર્વક માર માર્યો હતો, એ પછી તેને મોંમાં જૂતા લેવા મજબૂર કરીને માફી મગાવતો વીડિયો ઉતાર્યો હતો. યુવકે ઘટના બાદ પોલીસ ફરિયાદ કરતા મોરબી પોલીસે એટ્રોસિટીની કલમો લગાવી ગુનો નોંધ્યો છે. ત્યારબાદ વિભૂતિ પટેલ સહિતના આરોપીઓ પલાયન થઇ ગયા હતા. હાલ પોલીસ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button