આપણું ગુજરાત

‘આવરણ’ સાથે રાણી’બા હાજર થયા? કડક કાર્યવાહી થશે કે નહીં?

મોરબીઃ આજ રોજ મોરબી પોલીસ સ્ટેશનમાં છુપાતે પગલે રાણીબા સામેથી હાજર થયા હતા. હાજર થયા કે વ્યવસ્થિત ગોઠવણ કરીને કોઈએ હાજર કરાવ્યા એવી ચર્ચાએ મોરબીમાં જોર પકડ્યું છે. ફરાર રાણીબા સહિતનાને પકડવામાં પોલીસની અલગ અલગ ટીમની નાકામી વચ્ચે આજે સોમવારે સવારે રાણીબા, તેના ભાઈ સહિત ત્રણ ગુલામ સાથે એલસીબીમાં સરેન્ડર કર્યું હતું.

મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રિઝમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતા નિલેશ દલસાણીયા નામના કર્મચારીને પગારનો હિસાબ લઈ જવાના બહાને બોલાવીને ઢોર માર મારી, વાળ પકડીને ચપ્પલ ચટાડવાના અતિ ચકચારી પ્રકરણમાં પાંચ દિવસથી ફરાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ અંતે તેના ભાઈ સહિત ત્રણ મળતિયા સાથે આજે મોરબી લોકલ કાઈમ બ્રાન્ચના શરણે આવ્યાં છે. રાણીબા સહિત ત્રણ શખ્સ સામે ચાલીને સરેન્ડર થયા સવારથી સાંજ સુધી પૂછપરછ કર્યા બાદ સાંજે 6:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત પ્રમાણે લૂંટની ફરિયાદ ઉપરાંત કઈ કઈ બાબતો છે તે પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા છે, તેમાંથી નક્કી કરવામાં આવશે.

મળતી વિગત મુજબ નિલેશ દલસાણીયા નામના દલિત યુવકની ફરિયાદ મુજબ પોતે રાણી ઇન્ડસ્ટ્રી એન્ડ એકસ્પોર્ટ નામની પેઢીમાં બીજી ઓક્ટોબરે એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ૧૮ ઓક્ટોબરે કોઈ કારણોસર નોકરીએ આવવાની ના પાડી હતી. પગાર માટે અનેક ફોન કર્યા તેને ઓફિસે આવીને લઈ જવાનું કહેતા પ્રીતિ યુવક નિલેશ પોતાના ભાઈ અને મિત્ર સાથે પગાર લેવા ગયો ત્યારે પૂર્વયોજિત કાવતરાંના ભાગરૂપે રાણીબાના મળતિયા ડી. ડી. રબારી અને રાજ પટેલે પેઢીના મેનેજર પરિક્ષિત પટેલ સહિતના વ્યક્તિઓની હાજરીમાં તમાચા માર્યા હતા.

ત્યાર પછી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ આવતા તેને લિફ્ટમાં મારતા મારતા અગાસી પર લઈ ગયા હતા. અગાસીમાં રાણીબાએ પણ તમાચા માર્યા અને એક શખ્સે બેલ્ટથી ઢોર માર મારી વાંસાના ચામડા ઉતરી જાય ત્યાં સુધી ફટકાર્યો હતો. રાણીબા સહિતના શખસોએ ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને પગરખાં ચટાવડાવીને અસહ્ય સિતમ ગુજાર્યો હતો.


આ બાબતની મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ઉપરોક્ત પ્રકરણમાં પોલીસે રાણીબા સહિતના શખસો વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની ગંભીર કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ નોંધાયાની જાણ થતાં લેડી ડોન જેવું કૃત્ય કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જબરી રાજકીય વગ ધરાવતી હોવાનું ચર્ચાય છે એ રાણીબા સહિતના શખસોએ સંભવિત ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નકારી કાઢી હતી.


બીજી તરફ એક હુમલાખોર ડીડી રબારી ઉર્ફે મયુર દેવાભાઈ કલોત્રાને ઝડપી લેવામાં પોલીસ સફળ થઈ હતી. મુખ્ય સૂત્રધાર રાણીબા સહિતના શખસોને પકડવા મોરબી સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ કાર્યરત હતી, પરંતુ રાજકીય ઓથ ધરાવતી રાણીબા સુધી પહોંચવામાં કાયદાના લાંબા હાથ ટૂંકા પડ્યા હોય તેમ પોલીસ રાણીબા સુધી પહોંચી શકી નહોતી. અંતે ધારણા મુજબ ફરાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ અને તેના ભાઈ ઓમ પટેલ તથા અન્ય એક મળતિયાએ આજે સામેથી ધરપકડ વહોરવા એલસીબી સમક્ષ નાટકીય ઢબે શરણાગતી સ્વીકારી હતી. રાણીબા સામેથી શરણે આવી છે કે ગોઠવણપૂર્વક હાજર કરાવવામાં આવી છે? એ અંગે મોરબીવાસીઓમાં મોઢા એટલી વાતો થઇ રહી છે.


રાણીબા સહિતના હુમલાખોરો ચાર દિવસ સુધી ક્યાં રોકાયા, આશરો કોણે આપ્યો? આ અંગેની સઘન પૂછપર જ થશે ખરી? તેના કોલ રેકોર્ડ ચેક કરવામાં આવશે કોની સાથે વાત કરી કોણે મદદગારી કરી આવી ઘણી બાબતો બહાર લાવવી જરૂરી છે જેથી મદદગારીમાં જે લોકો સામેલ હોય તેઓની સામે પણ કડક પગલાં લઈ શકાય અને ભવિષ્યમાં આવી કલંકિત ઘટના ન બને તે અંગે દાખલો બેસે.


દલિત યુવકને પગાર લઇ જવાના બહાને બોલાવ્યા બાદ બેલ્ટથી ઢોર માર મારી ચપ્પલ ચટાડવા જેવો ગંભીર અપરાધ કરીને ભાગી છૂટેલી ચર્ચાસ્પદ વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના મળતીયા સામેથી રજૂ થતાં એલસીબી પીઆઈ ઢોલ દ્વારા ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરાર સમય દરમિયાન રાણીબા ઉર્ફે વિભૂતિ અને તેના ભાઈ સહિતના શખસો કયારે ભાગ્યા હતા, ફરાર સમય દરમિયાન કોના કોના સંપર્કમાં હતા, આશરો ક્યાં લીધો, ભાગવા માટે કયા અને કેટલા વાહનનો ઉપયોગ કર્યો હતો, બધા તહોમતદાર સાથે જ હતા કે અલગ અલગ? એ સહિતના મુદ્દે રાણીબા સહિતનાઓની પૂછપરછ ચાલી રહી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાની સોશિયલ મીડિયામાં લેડી ડૉન જેવા અનેક વીડિયો લોકોએ લાઈક કર્યા છે અને તેને ફોલોઅર્સ પણ મળ્યા છે જેને કારણે તેની હિંમત થઈ કે તે આવા કૃત્યો કરે.


કર્મચારીને માર મારી, વાળ પકડીને ચપ્પલ મોઢામાં લેવાની ફરજ પાડનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અગાઉ પણ ચર્ચામાં આવી હતી. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાના સોશિયલ મીડિયામાં અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે. રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે.


તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેણે ફોલોઅરને આકર્ષવા અનેક તરકીબ અજમાવતી રહે છે ફોર્ચ્યુનર ગાડી પર રાણીબા લખેલું બોર્ડ, દરેક કારના નંબર ૭ અને મર્દાની યેલો, બ્લેક સહિતના આકર્ષક કલરના ડ્રેસ, બ્લેઝર, સાફા પહેરીને લેડી ડોન હોય એવી હરકતો કરતી જોવા મળે છે. હજારોની કિંમતના બ્રાન્ડડેડ ચશ્મા, શૂઝ પહેરી અલગ લઝુરિયસસ કારમાં ફરવાનો શોખ ધરાવતી રાણીબા વૈભવી લાઈફ સ્ટાઈલ ભોગવી રહી છે. તેની આ હરકતોથી તે મોરબીમાં ભારે ચર્ચામાં રહે છે. આગામી દિવસો દેખાડશે કે પોલીસ કાર્યવાહી કેટલી કડક છે. રાજકીય ચંચુપાત કેટલી થાય છે. પીડિતને એવો ન્યાય મળે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…