આપણું ગુજરાત

રંગોળીની પરીક્ષા ને પછી પરીક્ષામાં રંગોળીઃ સુરતના શિક્ષકો ને વિદ્યાર્થીઓ આ કારણે પરેશાન

સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલમાં એક નવી ઉપાધિ આવી છે. અહીંની એક એનજીઓએ વિદ્યાર્થીઓ માટે રંગોળીની સ્પર્ધાનું આયોજન કર્યું છે. આમ તો તેમાં ભાગ લેવો કે નહીં તે વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું હોય છે, પરંતુ આડકતરી રીતે અમુક વિદ્યાર્થી અને શિક્ષકોને દબાણ કરવામા આવી રહ્યું છે કે તેઓ આમા ભાગ લે અનેઆયોજન પણ સંભાળે. હવે સમસ્યા એ છે કે આ રંગોળીની સ્પર્ધા દરમિયાન જ બાળકોની પરીક્ષા છે ત્યારે બાળકો ને શિકો પરીક્ષામા ધ્યાન આપે તે રંગોળી સ્પર્ધામાં તે સવાલ છે.

મળતી માહિતી અનુસાર શિક્ષણ સમિતિની શાળામાં આવતીકાલ ગુરૂવારથી સમિતિની શાળામાં પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રંગોળી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આજે પરીક્ષાની પૂર્વ તૈયારી છે તો બીજી તરફ શિક્ષકો અને વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહી પરંતુ 6 નવેમ્બરે ફાઈનલ સ્પર્ધા છે તે દિવસે પ્રાદેશિક ભાષાની પરીક્ષા છે તેના કારણે આવી સ્પર્ધા વિવાદમાં આવી રહી છે.


સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટની ફરિયાદનો હલ આવ્યો નથી ત્યાં જે શિક્ષકો અભ્યાસ કરાવે છે તેવા શિક્ષકોને ઈતર પ્રવૃત્તિમાં જોડી દેવાતા અનેક દિવસ વર્ગખંડ ખાલી જોવા મળી રહ્યાં છે અને અન્ય શિક્ષકો પર કામગીરીનું ભારણ વધી રહ્યું છે. આવતીકાલ ગુરૂવારથી શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પરીક્ષા શરૂ થશે તેના માટે સ્કુલના શિક્ષકો દ્વારા પુર્વ તૈયારી અને પરીક્ષા માટે પુનરાવર્તન ઉપરાંત પરીક્ષા માટે નંબર પાડવા સહિતની કામગીરી કરવાની છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે જોડાયેલી અગત્યની કામગીરી છે ત્યાં હાલમાં એક એન.જી.ઓ. દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.


કાગળ પર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મરજ્યાત છે પરંતુ મૌખિક સુચનાના આધારે અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ બહાર આવી રહી છે. એક તરફ આવતીકાલથી વિદ્યાર્થીઓની પરીક્ષા અને તેના માટે તૈયારી ચાલી રહી છે તો બીજી તરફ એન.જી.ઓ. દ્વારા પરીક્ષા સમયે જ યોજવામા આવેલી સ્પર્ધા વિવાદનું કેન્દ્ર બની ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે જો વિદ્યાર્થીઓ અને શિક્ષકો રંગોળીમાં ધ્યાન આપે તો પછી પરીક્ષામાં શું તેમણે રંગોળી જ ચિતરવાની છે, તેવી ફરિયાદો થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button