સુરતમાં રણબીર કપૂરની એક ઝલક જોવા માટે ચાહકોની ધક્કામુક્કી, 20 લોકો ઘાયલ
સુરત: બોલિવૂડ કલાકારો દેશ અને વિદેશમાં વિશાળ ચાહક વર્ગ ધરાવે છે, પોતાના પ્રિય કલાકારની એક ઝલક જોવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. ચાહકોની મોટી ભીડના કારણે ઘણી વખત અફરાતફરીનો માહોલ સર્જાય છે, આજે સુરતમાં બનેલી આવી જ એક ઘટનામાં બાળકો સહિત 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુરતના અડાજણમાં એક જ્વેલર્સના શો-રૂમના ઓપનિંગ માટે બોલીવુડ એક્ટર રણબીર કપૂર આવ્યો હતો. પોતાના મનપસંદ હીરોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે દરમિયાન ધક્કામુક્કી થતાં લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ સુરતમાં આવેલા ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન માટે અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણવીર કપૂર સુરતના મહેમાન બન્યા છેના ખબર મળતા લોકોની ભીડ જામી હતી. રણબીર કપૂરને જોવા માટે લોકોએ ધક્કા-મૂક્કી કરતા અફરાતફરી મચી હતી. ભાગદોડની ઘટનામાં મહિલાઓ-બાળકો જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જ્વેલર્સના શોરૂમના ઉદઘાટન કાર્યક્રમમાં રણબીર કપૂરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા હતા, લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તૂટ્યા હતા. જેના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રણબીર કપૂરની સિક્યોરિટીમાં 50 પોલીસ અને 40 પ્રાઇવેટ ગાર્ડને રાખવામાં આવ્યા હતા. જો કે પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગાર્ડની બેદરકારી સામે આવી હતી. આમ છતાં પણ આ દુર્ઘટના સામે આવતા રણબીર કપૂર પરફોર્મન્સ આપ્યા વિના જ જવા એરપોર્ટ રવાના થઈ ગયો હતો.
ભાગદોડ મચ્યા બાદ લોકો એકની ઉપર એક પડ્યા હતા, સ્થિતી એવી સર્જાઈ હતી કે આખો રોડ બંધ થઈ ગયો હતો, છતાંય પોલીસ મુક પ્રેક્ષક બની રહી હતી. રણબીર કપૂરને જોવા મોટી સંખ્યામાં આવેલા બાળકો પણ પડાપડી થતાં કચડાયા હતા. ભારે અફરાતફરી થતાં માતા-પિતા બાળકોને શોધવા બુમાબુમ કરવા લાગ્યા હતા, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.