વિધાનસભામાં જય શ્રીરામના નારા સાથે રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
મુખ્ય પ્રધાને ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડા પ્રધાનને કારણે રામલલાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે.
22મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.
મુખ્ય પ્રધાને ગૃહમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવને સભ્યોએ પાટલી થપથપાવીને આવકાર્યો હતો. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ઉ