રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે કરેલો બફાટ ભારે પડી રહ્યો છે, તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમની આ ભૂલ આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સમગ્ર ગુજરાતમાં રૂપાલા હટાવોની માગ સાથે ક્ષત્રિય સમાજ રેલીઓ અને ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં ઉમટેલા ક્ષત્રિય સમાજના લોકોએ વિશાળ રેલી યોજી પોતાના રોષ વ્યક્ત કર્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરવાની માગ સાથે આજે 2 એપ્રિલ 2024ના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે. બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પુરુષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીલની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
આ સમગ્ર મામલે સમાજના આગેવાન ઋતુરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કર્યું છે. ભાજપ જે રામના નામે વોટ માંગે છે, તે રામ પણ ક્ષત્રિય સમાજના હતા. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અત્યારે સરકારની બેઠક ચાલી રહી છે, તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા નથી. સરકાર સાથે કોઈપણ સંજોગમાં સમાધાન કરવામાં નહીં આવે. રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે.
ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત રેલીમાં ક્ષત્રીયાણીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલા આગેવાન શિલ્પાબાએ જણાવ્યું હતું કે, રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે જે વાણીનો ઉપયોગ કર્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ. અમારી ભાજપ પાસે સ્પષ્ટ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. રૂપાલા ચૂંટણી લડશે તો અમે છેક સુધી વિરોધ કરીશું. ક્ષત્રિય સમાજના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર પણ કર્યું છે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જૌહર કરવા પણ તૈયાર છે.