રક્ષાબંધને જેલમાં લાગણીસભર માહોલ: ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો છલકાઈ

અમદાવાદઃ આજે દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખૂબ જ ભાવુક દૃશ્યો જોવા મળ્યા. જેલમાં કેદ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
આ મુલાકાત દરમિયાન, અનેક બહેનો પોતાના ભાઈને જોઈને ગળે વળગી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. જેલનો કડક માહોલ પણ આ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ સામે નરમ પડ્યો હતો. આ દૃશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ મુલાકાત ભાઈ અને બહેન બંને માટે ભાવનાત્મક અને યાદગાર રહી હતી.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાને રક્ષાબંધન પર વૃક્ષારોપણ કર્યું, બહેનોએ રાખડી બાંધી
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ આજે રક્ષાબંધન પર્વ પર ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતાં. મોટી સંખ્યામાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા જેલ પહોંચી હતી. જેલના અધિકારીઓએ આ પ્રસંગ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 3થી 5 હજાર બહેનો પોતાના ભાઈઓને મળવા આવી હતી. જેલ તંત્ર દ્વારા બહેનો માટે પાણી, પંખા અને શૌચાલય જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, આ વર્ષે એક વિશેષ પહેલ કરવામાં આવી હતી, જેમાં કેદી ભાઈઓ દ્વારા પોતાની બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યા હતા.
સુરતની લાજપોર જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનનો તહેવાર ભાવનાત્મક રીતે ઉજવવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ આજે ભાઈઓને મળીને બહેનોની આંખોમાં ખુશી અને આંસુ બંને જોવા મળ્યા હતાં. આ પ્રસંગે, બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખની કામના કરી હતી. ભાઈઓએ પણ પોતાની બહેનોને જીવનભર રક્ષણ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પણ વાંચો: રક્ષાબંધન: બહેને ભાઈને આપી કિડની, રક્ષાના વચન સાથે આપ્યું નવજીવન…
વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. કારેલીબાગ હિટ એન્ડ રનના ગુનામાં સંડોવાયેલ રક્ષિત ચોરસિયાના પરિવારે પણ તેની મુલાકાત કરી હતી.