આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rajyasabha: …તો શું 2026 બાદ ગુજરાત કૉંગ્રેસનું ઉપલા ગૃહમાં કોઈ પ્રતિનિધિત્વ નહીં રહે?

અમદાવાદઃ Loksabhaની જેટલી ચર્ચા થતી હોય છે તેટલી Rajyasabhaની ચર્ચા આમ જનતામાં થતી નથી. રાજ્યસભાના સભ્યો ચૂંટવાની પ્રક્રિયામાં સીધી રીતે નાગરિકો જોડાતા નથી, આથી આ વિષય રાજકીય પક્ષો પૂરતો સિમિત રહે છે, પરંતુ રાજ્યસભામાં ગુજરાતનું જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે ચર્ચાનો વિષય બની રહ્યું છે. લોકસભા હોય કે રાજ્યસભા અહીં સાંસદો અને ખાસ કરીને વિરોધપક્ષના સાંસદો પોતાના વિસ્તાર-રાજ્યની પ્રજાના પ્રશ્નો ઉજાગર કરતા હોય છે અને તેમની માટે સુવિધાઓ લાવવાનું કામ કરવાની તેમની ફરજ છે. ત્યારે ગુજરાતમાં હાલના વિરોધપક્ષ કૉંગ્રેસનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ જ નહીં રહે તેવી સ્થિતિ સર્જાવા જઈ રહી છે.

એક તો 30 વર્ષથી કૉંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતી શકી નથી અને રાજ્યમાં સત્તામાં આવી શકી નથી. બીજું ગઈ વિધાનસભા-2022માં કૉંગ્રેસ (Congress)ના માત્ર 17 વિધાનસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જેમાંથી બેએ રાજીનામું આપ્યું છે. આ સાથે છેલ્લી બે ટર્મથી લોકસભામાં કૉંગ્રેસ પક્ષના એક પણ સાંસદ ચૂંટાઈ આવ્યા નથી. હવે જ્યારે 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે કૉંગ્રેસ સંખ્યાબળના અભાવે ઉમેદવાર ઊભા રાખવાની નથી, તેવી માહિતી મળી છે. એપ્રિલ 2024માં ગુજરાતમાંથી કૉંગ્રેસના બે અને ભાજપના બે સભ્યનો કાર્યકાળ પૂરો થાય છે. જેમાં ભાજપના મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, કૉંગ્રેસનાં અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આથી એપ્રિલ મહિના બાદ હવે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા વિપક્ષના એક માત્ર રાજ્યસભા સભ્ય શક્તિસિંહ ગોહિલ-Shaktisinh Gohil રહેશે.

શક્તિસિંહ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ છે. પણ વાત જાણે એમ છે કે શક્તિસિંહનું સભ્યપદ 2026માં પૂરું થશે. જે વિધાનસભાની બેઠકો પરથી હાલ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે એ બેઠકો પર પણ કૉંગ્રેસ ચૂંટાઈને આવે તો પણ 2026માં કૉંગ્રેસ એની એકમાત્ર બચેલી રાજ્યસભાની બેઠક બચાવી શકે એમ નથી, કારણ કે હવે વિધાનસભાની બીજી ચૂંટણી 2027માં થવાની છે. એટલે ત્યાં સુધી કૉંગ્રેસના ધારાસભ્યોમાં વધારો થાય તેવી શક્યતા નહીવત છે. આથી 2026માં ગુજરાતના ઈતિહાસના 64 વર્ષમાં લગભગ એવું પહેલીવાર બનશે કે કૉંગ્રેસનો એક પણ સાંસદ રાજ્યસભા નહીં હોય. જો વર્ષ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી તમામ 26 બેઠક પર વિજય મેળવે તો રાજ્યસભા અને લોકસભામાં ગુજરાત કૉંગ્રેસનો એકપણ પ્રતિનિધિ ન હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે.

જો આમ થશે તો ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરવા વિરોધપક્ષ તરફથી એકપણ નેતા દિલ્હીમાં નહીં હોય. લોકશાહી માટે આ યોગ્ય કહી શકાય નહીં, તેમ નિષ્ણાતો માને છે.

આ અંગે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ Shaktisinh Gohilએ કહ્યું હતું કે અમારી પાસે સંખ્યાબળ નથી એટલે સ્વાભાવિક રીતે રાજ્યસભામાં અમારું પ્રતિનિધિત્વ નહીં રહે, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જનતાના આશીર્વાદ અમને મળશે અને અમે લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ કરીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button