રાજકોટમાં રાજ્યસભા સાંસદના રામ-બાણ; ‘NOC માટે મે પણ આપી હતી લાંચ’
![Ram-Ban of Rajya Sabha MP in Rajkot; 'I also gave bribe for NOC'](/wp-content/uploads/2024/05/dca6a90c-68ab-418c-bb49-c94146985856-780x470.jpeg)
રાજકોટની ટીઆરપી ગેમ ઝૉનના અગ્નિકાંડ અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.વર્ષ 2021થી રાજકોટમાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા IAS-IPS અધિકારીઓએ સહિત ફાયર વિભાગના અધિકારીઓએ ને SITએ તેડા મોકલ્યા છે. જમીન વિભાગના અધિકારીઓએ પણ આ પૂછ પરછ અને તોળાતા આકરા પગલાંમાંથી નહીં છટકી શકે. રાજકોટના પૂર્વ મેયર અને ‘પાણીવાળા,વજુભાઈ વાળા'( પૂર્વ રાજ્યપાલ -કર્ણાટક ) એ પણ કહી દીધું છે કે રાજકોટ મહાનગર પાલિકામાં ‘વ્યવહાર’વગર કોઈ કામ થતું નથી. અને હવે આ જ વાત કરી રહ્યા છે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા.
મૂળ પોરબંદરના અને વ્યાવસાયિક મોટી છાપ ધરાવતા રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ ખુલાસો કરતાં મહાનગર પાલિકા રાજકોટના અધિકારીઓને ભ્રષ્ટ કહી દીધા છે. રાજકોટ મહાનગર પાલિકામાં વહીવટ થાય છે અને કથિત લેતી-દેતી પૂર્ણ થયા બાદ નૉટિસો પણ ફાડીને ફેંકી દેવામાં આવે છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝૉન અગ્નિકાંડ દૂર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એસઆઇટીની ઝીણવટપૂર્વક તપાસ શરૂ થયા પહેલા જ RMCના સ્થાનિક અધિકારીઓ પર સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો. આખું શહેર અને આખું કોર્પોરેશન જાણે છે કે સાગઠિયા કોણ છે ? અને તેની આબરૂ કેવી છે ? મહાનગર પાલિકામાં રૂપિયા 75 હજારના પગારમાં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઇ તે હર કોઈ જાણે છે. સાંસદ મોકરિયાએ ઉમેયું કે, સાગઠિયા 9-10 વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે. રાજકોટ અગ્નિકાંડ એક દૂર્ઘટના નથી પરંતુ ભૂલ છે. બેદરકાર અધિકારીઓને સજા થવી જોઈએ. બેદરકાર અધિકારીઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવે, તેમની જમીનની જાહેર હરાજી કરીને મૃતકોના પરિવારજનોને વધુ વળતર આપવું જોઇએ.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારનો દાવો ’27 મૃતદેહો સોંપાયા, હાલ એક પણ વ્યક્તિ ગુમ નથી.’
શું કહ્યું રામભાઇ મોકરિયાએ ?
ભાજપના સાંસદ રામ મોકરિયાએ સણસણતો આરોપ લગાવતા કહ્યું કે ‘મે પણ ફાયર NOC માટે આપ્યા હતા 70 હજાર રૂપિયા ચુકવ્યા છે. રાજકોટમાં ફાયર વિભાગમાં મોટા ભ્રષ્ટાચારનો પ્રહાર કરતાં સાંસદે કહ્યું કે, ફાયર NOC માટે તેમણે ઓફિસર ભીખાભાઈ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા.એ પણ ત્યારે જ્યારે હું બિઝનેસમેન હતો ત્યારની વાત છે. વ્યાવસાયિક કામ માટે આપેલા આ રૂપિયા 70 હજારની રકમ જ્યારે હું સાંસદ બન્યો ત્યારે મે એ અધિકારી પાસેથી પરત મેળવી હતી.
સાગઠિયા પોપટ પેઠે પઢશે તો… ? ફેલાયો ફફડાટ
ફાયર વિભાગના અધિકારી અને જમીન વિભાગના અધિકારી સાથે પોલીસ વિભાગના અધિકારીઓએ માટે SITએ તાવડો ગરમ કર્યો છે.કેટલાક સંજોગોમાં SIT કેટલાક અધિકારીઓની સામ-સામે બેસાડીને પૂછ પરછ પણ કરી શકે છે. આવા સંજોગોમાં જો સાગઠીયા પોતાનું મો ખોલી પોપટ પેઠે પઢવા લાગશે તો છેલ્લા એક દસકામાં આવેલા અધિકારીઓ, નેતાઓ અને પોલીસ- મહાપાલિકાની મિલી ભગતના કેટલાય રાઝ ખુલશે. કોની સૂચનાથી, કેવી રીતે,કોને શું અપાયું ? બદલામાં કોણે,કોને,કેવું અને કેવી રીતે વળતર આપ્યું. એ તમામ બાબતો જે ભ્રષ્ટાચારના ભોરિંગ રૂપ સાબિત થઈ શકે તે તમામ રહસ્યો પરથી પરદો ઉઠશે. પણ તેના માટે સાગઠિયાનું બોલવું બહુ જરૂરી છે.