રાજુલાના રડ્યાખડ્યાં કૉંગ્રેસીઓ પણ ભાજપમાં જોડાયા
અમદાવાદ: અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારના કૉંગ્રેસના પૂર્વ નેતા અંબરીષ ડેર મંગળવારે કમલમમાં કેસરિયા કર્યા બાદ બુધવારે રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરોએ રાજીનામાં આપ્યાં બાદ કૉંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે કેસરિયા કર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ કૉંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સાથે નાયબ દંડક કૌશિક વેકરીયા,ધારાસભ્ય હીરા સોલંકી,જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સભા સંબોધતા કહ્યું હતું કે,ઘણા સમયથી મેં રૂમાલ મૂક્યો હતો તેની જગ્યાએ અંબરીષ ડેર આવી ગયા છે અને આખા ગુજરાતમાં મેં જો કોઈને સામેથી આમંત્રણ આપ્યું હોય તો એ અંબરીષ ડેર છે અને ઘરવાપસી માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે કહ્યું કે, મંગળવારે હું ભાજપમાં જોડાયો મારા મત વિસ્તારના લોકો ગાંધીનગર ન પહોંચી શકે તે માટે મત વિસ્તારમાં કાર્યક્રમમાં રાખ્યો છે. રામમંદિર આમંત્રણ અંગે અંબરીશ ડેરે વધુમાં કહ્યું હતું કે, ‘કૉંગ્રેસના માવડી મંડળે અને નજીકના લોકોએ અમુક બાબતોમાં મિસગાઈડ કર્યા. રામમંદિર પ્રસંગે જે નિવેદન આવ્યું હતું, તે આઘાતજનક અને નિરાશાજનક રહ્યું. બધા જ ધર્મનો આદર અને સન્માન કરીએ છીએ, પરંતુ ઘરના મોભી નારાજ થાય તે વ્યાજબી નહીં. કોઈને દોષ આપવા માગતો નથી. કોઈનું ખરાબ કહેવા માગતો નથી.