રાજુ સોલંકીએ સામૂહિક ધર્મપરિવર્તન કરવાની આપી ચીમકી, કલેક્ટર કચેરીથી લીધું ફોર્મ
જુનાગઢ: થોડા દિવસ પહેલા જુનાગઢના દલિત સમાજના પ્રમુખના દીકરાનું અપહરણ કરીને માર મારવાના મામલે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કેસમાં નવો વળાંક આવ્યો છે અને રાજૂ સોલંકીએ ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ દ્વારા જુનાગઢના દલિત સમાજના પ્રમુખના દીકરાનું અપહરણ કરીને તેને માર મારવાના કેસમાં હાલ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં દલિત સમાજ હજુ પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દલિત સમાજ દ્વારા ગીતાબા જાડેજાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
હાલમાં બે દિવસ પહેલા વિસાવદરના મોણપરી ગામે દલિત સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં દલિત સમાજના પ્રમુખે સમાજ પર થઈ રહેલા અત્યાચારોને લઈને આગામી 15 ઓગસ્ટના ગાંધીનગર મુખ્યમંત્રી, રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ગણેશ ગોંડલ કાંડ મામલે વહેલી તકે ન્યાય નહીં મળે તો દલિત સમાજના 150થી વધુ પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. આ બાદ આજે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને આગેવાનો ધર્મ પરિવર્તન કરવા માટેના ફોર્મ લેવા પહોંચ્યા હતા.
આ મહાસંમેલનમાં રાજૂ સોલંકીએ કહ્યું હતું કે ઉનાકાંડને આઠ વર્ષ પુરા થયા બાદ પણ પીડિતોને ન્યાય નથી મળ્યો ત્યારે ફરી નવું ગોંડલ ગણેશ કાંડ થયું છે. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્યો ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશ જાડેજાએ મારા દીકરાનું અપહરણ કરી વીડિયો બનાવી અપરણ કરી માર મારી મારા દીકરાને જુનાગઢ છોડી ગયા હતા. આ મામલે લોકોનું રક્ષણ કરવાની જવાબદારી ભાજપની છે. જો હવે આવનાર સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો 150થી વધુ પરિવારો સાથે હું રાજુમાંથી રફીક બનવા જઈ રહ્યો છું.