ખ્યાતિકાંડમાં મહિલા આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
અમદાવાદ: એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ ખડો થયેલ સમગ્ર વિવાદને લઈને ભારે ચર્ચા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે.
કોર્ટે ફગાવી આગોતરા જામીનની અરજી
ખ્યાતિકાંડ કેસમાં છેલ્લા એક માસથી ફરાર મહિલા આરોપી રાજશ્રી કોઠારીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ખ્યાતિકાંડ કેસમાં તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
રાજસ્થાનથી કરી ધરપકડ
પ્રાપ્ત વિગતો અનુસાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી રાજશ્રી કોઠારી સમગ્ર બનાવ ઉજાગર થયા બાદ પોલીસ પકડથી નાસતી ફરતી હતી. આરોપી કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી પણ કરી ચૂકી છે. આ કેસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી રાજશ્રી કોઠારીની શું ભૂમિકા રહી છે તે જાણવું ક્રાઇમ બ્રાન્ચ માટે ખૂબ જ મહત્વનું બની ગયું હતું. આ દરમિયાન પોલીસને આરોપી પોતાનો મોબાઈલ નંબર બંધ કરીને રાજસ્થાનમાં છુપાય હોવાની બાતમી મળી હતી. થોડા દિવસો પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આરોપીઓની ધરપકડથી પણ રાજશ્રી વાકેફ હતી હતી. ટ્રાવેલ્સની બસમાં કોટા છોડીને ભાગે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજશ્રીની ધરપકડ કરી લીધી હતી.
Also read: ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
સરકારી વકીલે કર્યા છે ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે આરોપી રાજશ્રી કોઠારી પર સરકારી વકીલે રાજશ્રી અને પ્રદીપનો હોસ્પિટલમાં 3.61 ટકા હિસ્સો હોવાની દલીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગ મળતી હતી. જેમાં તેઓ વધુને વધુ ગામોમાં ફ્રી કેમ્પ યોજવાનું નક્કી કરતા હતા. ત્યારબાદ તેઓ ગામમાંથી જે દર્દીઓના PMJAY કાર્ડ હોય તેવા દર્દીઓ શોધી કાઢતા હતા. દર્દીઓને બીમારીથી ડરાવીને હોસ્પિટલ લાવવામાં આવતા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરી દેવામાં આવતું હતું.”