રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
રાજકોટઃ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેર મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ કટારિયા ચોકડીથી કાલાવડ રોડ સુધીનો નવો સિગ્નેચર બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં આઠ અલગ અલગ બ્રિજ તૈયાર કરાશે. ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે.
નવ જેટલા બ્રિજનું થશે નિર્માણ:
ગુજરાત સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે. વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 11માં નવા રીંગ રોડ પર 42.26 કરોડના ખર્ચે ત્રણ બ્રિજ, રંગોલી પાર્ક નજીક 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે 5.53 કરોડના ખર્ચે એક બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી વચ્ચે 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.
બે વર્ષ સુધી ટ્રાફિકની સમસ્યા વકરશે:
આ તમામ નવ બ્રિજ માત્ર વેસ્ટ ઝોનમાં જ બનાવવામાં આવશે. અને આ તમામ 9 બ્રિજનું નિર્માણ એકસાથે જ શરૂ કરવાનું છે. તેના કારણે બે વર્ષ સુધી નગરવાસીઓને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતો અઢી કિલોમીટર લાંબો સીગ્નેચર બ્રિજ બનાવામાં આવ્યો છે. આ બ્રિજ સ્થાનિકો અને દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. વર્ષ 2017માં આ બ્રિજની બનવાની શરૂઆત થઈ હતી. બ્રિજની બનાવટ પાછળ રૂ. 978 કરોડનો ખર્ચ થયો છે.