સૌરાષ્ટ્રમાં Narmada કેનાલના રિપેરિંગ દરમ્યાન રાજકોટને પાણીની સમસ્યા નહિ નડે, કરાયું આ આયોજન

અમદાવાદઃ ગુજરાતના સિંચાઈ વિભાગ દ્વારા આગામી એપ્રિલ અને મે મહિનામાં સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલનું(Narmada)મોટુ મેન્ટેનેન્સ વર્ક કરવાનું હોવાથી રાજકોટ મહાનગર પાલિકાને મળતુ નર્મદાનું પાણી નહીં મળી શકે. જેથી પાણીની કોઈ તંગી ના રહે તે માટે સંકલન કરીને સરકારે બે દિવસથી આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠલવવાનું શરૂ કર્યુ છે. તે ઉપરાંત ટૂંક સમયમાં ન્યારી-1 ડેમમાં પણ પાણી ઠાલવવા નિર્દેશ કરવામાં આવ્યો છે.
ન્યારી માટે 700 અને આજી માટે 1800 એમસીએફટી જથ્થાની માગ
રાજકોટમાં હાલ કેનાલ અને પાઈપલાઈન મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. સરકારે ચાલુ મહિનામાં શક્ય એટલું નર્મદાનું પાણી સપ્લાય કરવા અને આજી તેમજ ન્યારી ડેમનું પાણી બફર સ્ટોક તરીકે રાખવા સૂચન કર્યું હતું. આજી ડેમમાં 780 અને ન્યારીમાં 1050 એમસીએફટી પાણીનો જથ્થો છે. મહાનગરપાલિકાએ ન્યારી માટે 700 અને આજી માટે 1800 એમસીએફટી જથ્થાની માગ કરી છે.
Also read: નર્મદા નદીમાં છોડાયું 1 લાખ 35 હજાર ક્યુસેક પાણી : જિલ્લા પ્રસાશન સતર્ક
નર્મદાના પાણીનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી
એપ્રિલ અને મે એમ બે મહિના કેનાલના રીપેરીંગનું મોટુ કામ નીકળ્યું છે. આ અંગેની જાણ સરકારે બે મહિના અગાઉ જ રાજકોટ મહાપાલિકાને કરી હતી. એપ્રિલ-મેમાં નર્મદાનું પાણી સપ્લાય કરવાનું બંધ થાય તે પહેલા જ બંને ડેમ ભરી દેવાશે. હાલ માર્ચમાં માત્ર નર્મદાના પાણીનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં 395 એમએલડી પાણીનું વિતરણ
વોટર વર્કસ સમિતિના સુત્રોએ કહ્યું હતું કે, પાઇપલાઇન ધોળીધજા ડેમ સુધી રહેલી છે. કેનાલનું પાણી લાઇનમાં ફેરવવામાં આવે તો આ પાણીની ઘટ પડશે નહીં. રાજકોટને ઉનાળામાં પાણીની કોઇ મુશ્કેલી ન પડે તેવું તમામ આયોજન મહાપાલિકા કરી રહી છે. રાજકોટમાં 395 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.