રાજકોટ વોર્ડ નંબર 2 અને 3 એટલે વિકાસનો પ્રયત્ન કરતું ગામડું.
રાજકોટ શહેરમાં વોર્ડ નંબર ત્રણ અને બે બંને બોર્ડરને અડે એવો વિસ્તાર એટલે જામનગર રોડ પરથી જતો એચએસસીજી હોસ્પિટલથી સિનર્જી હોસ્પિટલનો રોડ. આ વિસ્તાર જાણે સ્માર્ટ સિટી રાજકોટનો વિસ્તાર જ ન હોય તેવું લાગી રહ્યું છે.
અહીંના રસ્તાઓ ભંગાર અવસ્થામાં છે. એવું નથી કે ડામરના રોડ નથી બનતા. અહીં ડામરના રોડ બને છે, પરંતુ તેનું આયુષ્ય બે મહિનાનું હોય છે ત્યારબાદ તેમાં ગાબડા પડી જાય છે અને પછી કોઈ ધ્યાન આપતું નથી. ઉપરાંત દર એક દોઢ બે મહિને ખોદકામ કરી કોઈકને કોઈ લાઈન નાખવાની હોય છે. તંત્ર વચ્ચે કોઈ જોડાણ ન હોય એમ દર વખતે રસ્તાઓ ખોદી કાઢવામાં આવે છે અને પછી કાચો રોડ બનાવી મૂકી દેવામાં આવે છે.
હાલ ચોમાસુ હોઇ માત્ર થોડા વરસાદ પડવાથી રસ્તાઓ સદંતર તૂટી ગયા છે, ખાડાઓ પડી ગયા છે અને તેમાં ફરિયાદ કરવાથી તંત્ર આવીને મોટા મોટા પથ્થરો નાખી જાય છે અને માટી પણ નાખી જાય છે, પરંતુ વરસાદમાં ફરી માટી ધોવાઈ જતા પથ્થરને કારણે ઘણાના વાહનોના ટાયરો ફાટી જવાની ઘટના બની છે.
આજ વોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દંડક ડેપ્યુટી મેયર કર્તવ્ય નિષ્ઠ ધારાસભ્ય બધું જ છે. બસ તેઓ માત્ર કામ પરત્વે ધ્યાન નથી આપતા. ફરિયાદ કરીએ એટલે કામ થઈ જાય છે, પરંતુ યોગ્ય રીતે ન થતા ફરી 15 દિવસમાં રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે. બે હોસ્પિટલો જ્યારે આ રોડ પર આવી હોય ત્યારે એમ્બ્યુલન્સને નીકળવાનો વિચાર માત્રથી ધ્રુજી જવાય તેવી પરિસ્થિતિ છે. કદાચ આ વિસ્તાર રાજકોટના સ્માર્ટ સિટીમાં આવતો નથી એવું લાગે છે.
Also Read –