આપણું ગુજરાત

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ

રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 32 મોતને ભેટ્યા છે. આ હિચકારી ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. આ સમગ્ર મામલે આજે શહેરના સી.પી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ફાયર એનઓસીની કાર્યવાહી હજી ચાલી રહી હતી તે પૂર્ણ થઇ ન હતી. આ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

રાજકોટના સી.પી, રાજુ ભાર્ગવે જણાવ્યું છે કે, આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે તથા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરવામાં આવી છે. આ ગુનાની ઝડપથી તપાસ કરીને ચાર્જસીટ કરવા માટે બનતા પુરાવા ભેગા કરીશું. આ માટે ગાંધીનગરથી એફએસએસની ટીમ આવેલી છે જે પણ પોલીસને તપાસમાં મદદ કરશે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે Rajkot ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી, સોમવારે સુનાવણી

તેમના જણાવ્યા મુજબ TRP ગેમિંગ ઝોનનું લાઇસન્સ વર્ષ 2023માં આપવામાં આવ્યુ હતુ જે પછી રિન્યુઅલ પણ કરવામાં આવ્યુ હતુ. આ અંગેની મંજુરી પણ આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, ફાયર સેફ્ટીના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. ફાયર એનઓસીની કાર્યવાહી ચાલી રહી હતી જે હજી પૂર્ણ થઇ નથી. આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી.

ફાયર એનઓસી નહોતી તો શા માટે પોલીસ વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી હતી તે સહિતના પ્રશ્નો પૂછતા રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જવાબ આપવાનું ટાળ્યુ હતુ.

જોકે, રાજકોટ શહેર સી.પી રાજુ ભાર્ગવના નિવેદન અને એફઆઇઆરમાં લખવામાં આવેલી વિગતમાં વિરોધાભાસ નોંધવામાં આવ્યુ છે. પ્રેસ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું કે, ગેમઝોન દ્વારા ફાયર એનઓસી માટેની પરમિશન મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે તેમને મંજૂરી મળવાની બાકી હતી. તો બીજી બાજુ એફઆઇઆરમાં બીજે ઠેબા નામના ફાયર ઓફિસરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ફાયર વિભાગમાં ફાયર એનઓસી બાબતે અરજી ઇન્વર્ડ કરવામાં આવેલી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button