વિદ્યાર્થીએ વીડિયો બનાવી શિક્ષક પર કર્યા આક્ષેપો ને પછી જીવન ટૂંકાવ્યું, રાજકોટની ઘટના…
રાજકોટઃ રાજકોટના લોધીકાના મોટાવડાની સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો છે. રડતા રડતા પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડવામાં આવી છે. પોલીસે સુસાઈડ નોટ તેમજ વીડિયો કબ્જે કરી મૃતદેહનું પોસમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળા શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
જેલમાં જવાની બીકથી આપઘાત:
લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપી હતી. પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બનાવના સ્થળ પરથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે કબ્જે લઇ તેમાં મોબાઈલમાં વીડિયો હોવાનો પણ ઉલ્લેખ કરતા સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીએ સુસાઈડનોટ લખી:
આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા… મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.
મમ્મી મારા ભાઈબંધ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે.
આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર… બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ… મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.