Rajkot: ભૂલકાંઓ યુનિફોર્મ-સ્કૂલબેગ સાથે તૈયાર, પણ સ્કૂલો જ બંધ
રાજકોટઃ વેકેશન સૌને ગમતું હોય છે, પરંતુ વેકેશન પૂરું થાય એટલે સ્કૂલે જવાનું જરૂરી પણ છે અને માતાપિતા આની તૈયારી વેકેશનથી જ કરતા હોય છે. ગુજરાત સહિત રાજકોટમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે અનેક શાળાઓ બંધ રહી છે. કારણ કે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના પગલે મનપાએ ફાયર એનઓસી અને બીયુ મામલે સીલ મારતા ઘણી શાળાઓ શરૂ થઈ શકી નથી. જેમાં હજારો વિદ્યાર્થીઓના ભાવી પર સંકટ ઉભુ થયુ છે. સ્કૂલ સંચાલકો અને મનપાની ગંભીર બેદરકારી સામે વાલીઓમા રોષ ફેલાયો છે.
રાજકોટમાં આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ સ્કૂલો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યાં છે.
આ પણ વાંચો : https://bombaysamachar.com/?s=%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F
બાળકના ભવિષ્યને લઇ વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. અગ્નિકાંડ બાદ મનપાએ સ્કૂલને સિલ મારવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજકોટમાં હજુ પણ 70 થી પણ વધારે સ્કૂલો બંધ છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની 70 થી પણ વધારે સ્કૂલો બંધ રહેતા વિદ્યાર્થીઓ મુંઝાયા છે. મનપા દ્વારા આકરી કાર્યવાહી બાદ વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેમાં ઘણી સ્કૂલો શરૂ થઈ તો સીલ મારેલી સ્કૂલો હજુ પણ બંધ હાલતમાં છે.
કોર્પોરેશન અને સ્કૂલ સંચાલકો દ્વારા આ મામલે વિવાદો પણ થઈ રહ્યા છે. એક તરફ બાળકની સુરક્ષાનો સવાલ છે અને બીજી બાજુ એકાદ બે દિવસ ઠીક છે, પરંતુ લાંબા સમય સુધી સિલ રહે તો શિક્ષણને અસર થાય છે. મસમોટી ફી અને અન્ય ખર્ચ કરનારા માતા-પિતા માટે આ કપરી સ્થિતિ છે.