ભાજપનો અને પોતાનો ભ્રષ્ટાચાર છાવરતી રાજકોટ પોલીસ: ઇન્દ્રનીલ રાજગુરુના ચાબખાં
-કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદોના આધારે પોલીસની નીતિરીતિનો પર્દાફાશ
-રાજકોટમાં જુનાગઢનાં તરલ ભટ્ટ કરતા પણ મોટો કાંડ થઇ રહ્યો છે છતાં અધિકારીઓ મૌન
-ડેરીમાં જેમ દૂધ સરળતાથી મળે તેમ દારુ અને નશીલા પદાર્થો છૂટથી મળે છે
-અનેક અરજદારોને ન્યાય મળ્યો નથી
-રાજ્યના ગૃહમંત્રી સમક્ષ પુરાવાઓ રજૂ કરવાની તૈયારી
રાજકોટ: રાજકોટની પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જેની જવાબદારી છે તે પોલીસ તંત્ર તદ્દન ખાડે ગયું છે અને ભાજપનો તથા પોતાનો ભ્રષ્ટાચાર છાવરવા માટે પ્રજાને રઝળતી મૂકી દીધી છે. પોલીસ તંત્ર પ્રજાનું ભલું કરવાને બદલે અંગત ધંધામાં અને વહીવટ કરવામાં જ રચીપચી રહે છે અને તેને કારણે પ્રજામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે એટલું જ નહી પણ ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે અને ખાખીનો ભ્રષ્ટાચાર વધી ગયો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે અને પોલીસ તંત્રને સુધરી જવાનું અલ્ટીમેટમ આપ્યુ છે. કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર આ બાબતને ગંભીર ગણીને કડક કાર્યવાહી નહી કરે તો એક પ્રતિનિધિમંડળ પુરાવાઓ સાથે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરશે.
કોંગ્રેસના જાગૃત પ્રહરી ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, રાજકોટમાં કેટલાક અધિકારીઓ બાયોડીઝલની હેરાફેરીમાં સંડોવાયેલા છે એટલું જ નહી એક પોલીસ સ્ટેશને તો ૨૫ થી વધુ બુટલેગરોને ધંધો કરવાની છૂટ આપેલી છે. જ્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થાનો સવાલ છે ત્યાં આ વ્યવસ્થા પડી ભાંગી છે. ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં ટેન્કરો અને ડમ્પરો બેફામ દોડી રહ્યા છે અને જીવલેણ અકસ્માતો સર્જી રહ્યા છે. ટ્રાફિક શાખા ટ્રાન્સપોર્ટરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તાખોરીમાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં રાજકોટની પ્રજા કોઈને ફરિયાદ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
તેમણે કહ્યું છે કે, કોઈ અરજદાર પોલીસ કમિશનરને મળવા જાય તો તેને મળવા દેવાતા નથી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જવાનું કહેવામાં આવે છે. આવું કરીને ખુદ પોલીસ કમિશનર ગૃહમંત્રીની સુચનાનો અનાદર કરે છે તેવું લાગી રહ્યું છે. જેને અન્યાય થયો હોય તેવી વ્યક્તિ પોતાની ફરિયાદ કરવા માટે જાય તો ક્યાં જાય તે સવાલ ઉભો થયો છે.
કાયદો અને વ્યવસ્થાની ધુરા, સુસ્થિતિ સંભાળવાની જેમની જવાબદારી છે તે પોલીસતંત્ર ઉપર લોકોને માન-સન્માન અને જે ભરોસો હોય છે તે કાયમ જળવાઈ રહે તે અત્યંત જરૂરી હોય છે. અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓને લીધે ઈમાનદાર-કર્મનિષ્ઠ કર્મીઓ અને અધિકારીઓનું કામ કરવાનું મોરલ ડાઉન થતુ હોય છે જેથી સમગ્ર ખાખીની છાપ ખરડવાથી લોકોમા તેઓ પ્રત્યે વિશ્વાસ ઉઠી જતો હોય છે. રાજકોટમાં અત્યારે આવી જ સ્થિતિ છે તેમ જણાવતા ઇન્દ્રનીલ રાજગુરુએ ઉમેર્યું હતું કે, અમે પોલીસતંત્રનુ મોરલ ડાઉન કરવા કે વ્યક્તિગત કોઈ અધિકારી કે કર્મચારીના દુશ્મન કે વિરોધમાં નથી પણ જે જે ભ્રષ્ટ અને લાલચી કર્મીઓ પોતાના સ્વાર્થ માટે અસામાજિક પ્રવૃર્તીને પ્રોત્સાહન આપે, પૈસાના મોટા તોડ માટે ગેરકાયદે ધંધાઓની છૂટ આપે જેથી સમાજમાં ગુનાખોરીઓનુ પ્રમાણ વધે તેમનો વિરોધ કરીએ છીએ અને આ બાબતે પોલીસ કમિશ્નરને આ બધુ બંધ કરાવવા અને તોડબાજો પર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
તેમણે ઉમેર્યું છે કે, કોંગ્રેસનુ ડેલિગેશન જયારે રાજકોટ પોલીસ કમિશ્નરને રૂબરૂ રજુઆત કરવા ગયુ હતુ ત્યારે ધ્યાન દોરેલુ કે પોલીસ સ્ટેશનોમા પોલીસ લોકોને સાંભળતી નથી અને ફરિયાદ પણ લેતી જ નથી ! કોઈ સામાન્ય માણસ પોતે ગંભીર ગુનાઓનો ભોગ બન્યો હોય છતા રાજકીય લોકોનો ફોન કરાવી પોલીસ પર દબાણ લાવ્યા બાદ માંડ માંડ ફરિયાદ લ્યે છે એવી સિસ્ટમ બની ગઈ છે તે શરમજનક છે. પોલીસનુ કામ માત્ર ગુનાના ભોગ બનેલ લોકોની પ્રાથમિક ફરિયાદ લેવાનુ હોય છે પરંતુ રાજકોટમા પોલીસ જ જાણે કોર્ટ બની ગઈ હોય તેમ જાતે જ ચુકાદાઓ આપતી હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે! જો કોઈ વ્યક્તિની ફરિયાદ લીઘી હોય તો તેમા બંને પક્ષેથી ક્યાંક મલાઈ મળે એવુ લાગે તો જ તે તપાસમા રસ દાખવે છે બાકી ફરિયાદીને એટલા ગેરમાર્ગે દોરે કે તેઓ કંટાળી સમાધાન માટે મજબુર બને છે. રાજકોટમાં હાલ એવી જૂની કહેવત જેવી પરિસ્થિતિ ઉદભવી કે ‘બકરી વરુથી રક્ષણ મેળવવા વાઘ પાસે જાય’! આ માત્ર અમારા આક્ષેપો નથી પણ વરવી વાસ્તવિકતા છે.
કોંગ્રેસ પાસે કેટલાક એવા પુરાવા છે જે ફરિયાદ સ્વરૂપે મળ્યા છે અને તે અહી રજૂ કર્યા છે.
અન્યાય નંબર -૧
રાજકોટના યુનિવર્સિટી પો.સ્ટે.માં 30/12/2023 ના એક તરૂણી યુવતીનું અપહરણ બાબતનો ગુનો નોંધાયો છે.યુવતીના માતા-પિતા દ્વારા આ ગંભીર ગુનાના આરોપીને પકડી પાડીને પોતાની દીકરીને લઇ આવવા 25થી વધુ વખતો રજૂઆતો પોલીસને કર્યા બાદ હજુ સુધી દીકરીની ભાળ મળી નથી ! એટલા દિવસ સુધી પોલીસ કેમ સદન્તરે નિષ્ક્રિયતા દર્શવામાં આવે? આરોપીઓ તેના પરિવારજનના સંપર્કમા હોવાની ફરિયાદીની પોલીસને રજૂઆતો કરી તેમ છતા તપાસ અધિકારીઓના પેટનું પાણી નથી હલતુ ? ફરિયાદી વાલી કમિશનરશ્રીને રજુઆત કરવા ગયા હતા તો કમિશનર કચેરીના ક્લાર્ક નયનાબેનએ યુનિ.પો.સ્ટે.ના પીઆઈને ફોન કરી તેઓને મળવા સૂચના આપી દીધી પરંતુ સાહેબને તો મળવા ના જ દીધા ! મહિલાઓની સુરક્ષાની વાતો કરતી સરકાર આવા ગંભીર ગુનાઓમાં પોલીસતંત્ર રસ ના દાખવે તો એનાથી શરમજનક શુ હોઈ શકે? આ બાબતે હજુ પોક્સો અને બળાત્કાર જેવી કલમોનો ઉમેરો થઈ શકે એમ છે.
અન્યાય નંબર-૨
તા.૨૩/૧૦/૨૦૨3 ના રોજ એક ટ્રેક્ટર ચાલક ની ગંભીર બેદરકારી ના લીધે ૧૬ અને ૧૯ વર્ષની નાની છોકરીઓ અકસ્માત નો ભોગ બનતા ૧૯ વર્ષ છોકરીનું ઘટના સ્થળએ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું . તેમાં આ બનાવ નજરે જોનાર ૧૬ વર્ષની દીકરીએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ટ્રેક્ટર-ટ્રોલી નંબર સહિતની ફરિયાદ ગાંધીગ્રામ પો.સ્ટે.મા નોંધાવી હતી.. પરંતુ પોલીસ દ્વારા તપાસમા આરોપીઓની મદદ કરી જે ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો તે બદલી નાંખી બીજું ટ્રેક્ટર રજૂ કરી તે બદલાવેલા ટ્રેક્ટરના નંબર પર ચાર્જશીટ કોર્ટમા રજુ કરી દીધું હતું. આ રીતે એક પરિવારની દીકરીએ ટ્રેક્ટર ચાલકની બેદરકારીના હિસાબે પોતાની જુવાનજોધ દીકરી ગુમાવી છતા તેવા કિસ્સામાં પણ પોલીસે તોડ કરી આરોપીઓની મદદ કરેલ છે. રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજાનો હાલ શુ થશે તે વિચારવા જેવુ છે. આ કિસ્સામાં ફરિયાદી પાસે તમામ પુરાવાઓ છે.
અન્યાય નંબર-૩
31/10/2023 ના યુનિવર્સિટી પો.સ્ટે. માં આઇઓસીના એક નિવૃત કર્મચારીએ અરજી આપી કે તેઓની સાથે મિલકતની લેવડદેવડ બાબતે 70 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે અને અરજીમાં વ્હાઈટની એન્ટ્રીના તમામ આધારરૂપ પુરાવાઓ જોડ્યા હતા. છેતરપિંડી કરનાર રાજકીય વગ ધરાવતો હોવાથી આજદિન સુધી આ સિનિયર સિટીઝનની ફરિયાદ પોલીસ દ્વારા હજુ લેવામાં આવી નથી કે હજુ તેઓને ન્યાય મળેલ નથી ! આરોપી વગ ધરાવતો હોય તો શુ તેઓ વિરુદ્ધ 3-3 મહિના ગુનો દાખલ નહી કરવાનો ? ફરિયાદીએ અનેક રજુઆત બાદ પણ કોઈ સાંભળનાર નથી ! ઇકો સેલની (આર્થિક નિવારણ શાખા ) રચના કરી છે તો પોલીસ હજુ કેમ આ બાબતે મુક પ્રેક્ષક બની તે મોટો સવાલ છે.
અન્યાય નંબર-૪
તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોક નજીક આવેલ શ્રીનાથજી સોસાયટીમા સરકારી રોડ પર દબાણ ઊભું કરી એક બુટલેગર દેશી દારૂનું વેચાણ કરે છે. આજુબાજુના 5થી વધુ ફ્લેટની સોસાયટીઓએ મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસને આ ત્રાસ અંગે અનેક રજૂઆતો બાદ હજુ આ અસામાજીક તત્વોનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યું ? રહીશોએ આ તત્વોથી ડરી ડરીને હવે રજૂઆતો કરવાનુ બંધ કરી દીધું છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, રાજકોટમા ડેરીઓમા જેમ દૂધ સરળતાથી જેમ મળી રહે તેમ વિદેશી અને દેશી દારૂ,ગાંજો,ડ્રગ્સ અને ચરસ મળી રહે છે અથવા તો પેડલરો ઘરે આવીને આપી જાય છે તે કડવી વાસ્તવિકતા છે. યુવાધન કેફી પદાર્થોના રવાડે ચડી બરબાદ થઇ રહ્યું છે. આનાથી રાજકોટ માટે શરમજનક બાબત શુ હોય શકે? રાજકોટ પોલીસ ધારે તો શુ કડક અમલવારી ના થઇ શકે ?
રાજકોટમાં પણ જૂનાગઢના તરલ ભટ્ટ જેવો જ કાંડ થઇ રહ્યો છે તેવો ચોંકાવનારો આક્ષેપ કરતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, જૂનાગઢના કરોડના તોડકાંડમા જેમ અનેક બેંક એકાઉન્ટ ગેરકાયદે ફ્રિજ કરી અનફ્રીજ માટે મોટી રકમોની લાંચની વસુ લાત કરવામાં આવી તેવી જ મોડ્સ ઓપરેન્ડીથી રાજકોટ સાયબર સેલના અમુક અધિકારીઓ કરી રહ્યા છે તેવી અમને સંપૂર્ણ આશંકા છે. રાજ્ય સરકારના ગૃહવિભાગને વિનંતી છે રાજકોટમા છેલ્લા બે વર્ષમા આજદિન સુધી કેટલા બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવામા આવ્યા છે અને કર્યા છે તો કઈ અરજી કે ફરિયાદની તપાસના આધારે કર્યા છે તેની તપાસ તટસ્થ રીતે કરવામાં આવશે તો જુનાગઢથી વધુ મોટું કૌભાંડ બહાર આવશે.
અમારે ધ્યાને અનેક અરજદારોની ફરિયાદ આવી છે કોઈ ફરિયાદ વગર જ બેન્ક અધિકારીઓ અને સાયબર સેલના માણસોની મીલીભગતથી એકાઉન્ટ ફ્રિજ કરવામા આવે છે અને આ ભોગ બનનાર પોતે મજબુર બની લાંચ આપી પોતાનુ એકાઉન્ટ અનફ્રીજ કરાવુ પડે છે. અમને પુરી આશંકા છે કે સાયબર સેલના માણસો પોતે ખોટા અરજદારો ઉભા કરી બેન્કના ભ્રષ્ટ કર્મીઓએ આપેલ માહિતીના આધારે એક એક અરજીના આધારે 300-400 એકાઉન્ટ ફ્રિજ કરી દીધા હોય તેવુ પણ બહાર આવશે.
- રોજીંદા જીવનમાં લોકોના અદ્યતન ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગથી હરરોજ અનેક લોકો સાયબર ફ્રોડ અને છેતરાતા હોય છે, મોબાઈલો અનેક ચોરાઈ છે,ન્યૂડ વિડીયોકોલમા બ્લેકમેઇલ જેવી અનેક બાબતો સમાજ માટે ચિંતાજનક છે ત્યારે સાઇબર સેલ આ બધી બાબતોમા વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો અનેક લોકોને ન્યાય મળી શકશે… કોંગ્રેસની માંગ છે કે સરકાર રાજકોટમાં છેલ્લા બે વર્ષમાં લોકોની સાયબર સેલમા કેટલી અરજીઓ, ફરિયાદો થઇ છે તે માહિતી આપે અને તે અંતર્ગત કેટલા ગુના ડિટેકટ થયા તે તપાસ પણ કરાવે.
- થોડા સમય પેહેલા ગેરકાયદે બાયોડિઝલના ધંધામા SMC ની રેડમાં તપાસમાં એક સાહેબના અંગત પોલીસકર્મીની સંડોવાળી બહાર આવતા ગૃહવિભાગે બદલીના પગલાં લીધા બાદ ફરી આ કર્મી ફરી રાજકોટમાં નોકરીએ લાગી ગયા કે શુ? ઉચ્ચ અધિકારીઓ જ ભ્રષ્ટ કર્મીને છાવરે તે કેટલું યોગ્ય ? તેવો સવાલ પણ પૂછ્યો છે.
- સામાન્ય માણસ જયારે ગુનાખોરીનો ભોગ બને ત્યારે તેઓનો પહેલો ન્યાય અપાવવાનો વિશ્વાસ ખાખી પર હોય છે ત્યારે રાજકોટના અનેક પોલીસ સ્ટેશનોના અમુક અધિકારીઓ અને કર્મીઓનુ સામાન્ય લોકો સાથે બેહુદુવર્તન એટલી હદે ખરાબ હોય કે ફરિયાદીને એવુ લાગવા લાગે એ પોતે કોઈ ગુનેગાર હોય ! ફરિયાદો લેવાનુ ટાળવા બેહુદુ વર્તનના અનેક લોકો ભોગ બને ત્યારે ઉચ્ચ અધિકારીઓએ ખાનગી વેશમા ડમી ફરિયાદી માણસોને મોકલી ચોક્કસ સમયે દરેક પોલીસ સ્ટેશનોમા અધિકારી અને કર્મીઓના ફરિયાદી લોકો સાથેના વર્તાવ,ભોગ બનનાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે કે ખોફ અને કર્મીઓની સજાગતા તપાસવી અતિ આવશ્યક છે. ખાસ બી- ડીવીઝન અને તાલુકા પો.સ્ટે. ના પીઆઇની ફરિયાદો એવી આવી છે કે ફરિયાદી સાથે આરોપી જેવું તોછડાઈ ભર્યું વર્તન કરે છે જે કિસ્સા કમિશ્નર સમક્ષ પુરાવા સહીત આપીશુ તો બંને
અધિકરીઓને ફરીથી ટ્રેનિંગમા મોકલવા જ જરૂરી લાગશે.
તેમણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા બાબતે 1% પણ ખોટું કે ન ચલાવીને રાજકોટના લોકોની સલામતિ માટે સબળ વિપક્ષ તરીકે અમે અને લોકશાહીનો ચોથો આધારસ્તંભ મીડિયા બંને સક્રિય છે અને તેમની ફરજ બને છે કે ખોટુ થતુ હોય ત્યા સરકાર અને તંત્રનુ ધ્યાન દોરવું. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસતંત્ર આ તમામ બાબતે કદાચ જો ભવિષ્યમાં રાગદ્વેષ રાખે પરંતુ અંતે તો જનહિત માટે અમે બધુ સહન કરવા તૈયાર છીએ.
આવનાર સમયમાં પોલીસ કમિશનર લોકહિતલક્ષી આ બાબતોની ગંભીરતા દાખવી કડક કાર્યવાહી નહિ કરે તો ગુજરાત કોંગ્રેસનુ ડેલિગેશન રાજ્યના ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરવાના છે.