રૂપાલા મામલે વિવાદ વકર્યો, વિવિધ ગામમાં પોસ્ટર વાયરલ, પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ
![rajkot parsottam rupala vs kshtriya samaj boycott poster padminiba vala ann tyag](/wp-content/uploads/2024/04/MS-32.jpg)
રાજકોટ: રાજકોટની લોકસભાની બેઠકને લઈને રાજકારણ તેની ચરમસીમાએ છે. (Parsottam Rupala vs kshtriya Samaj) ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને કારણે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રિયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજપૂત સમાજે બરાબર ઘેરી લીધા છે. જો કે રૂપાલાએ બે વાર માફી માંગી લીધી હોવા છતાં અને અને ભાજપે ઉમેદવાર નહીં બદલવાનું જાહેર કરી દેવા છતાં સમાજમાં રોષ ઓસરવાને બદલે વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. રાજકોટ જિલ્લાના વિવિધ ગામમાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વાયરલ (Boycott Rupala poster) થયા છે તો એક બાજુ મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ (Padminiba vala) અન્નનો ત્યાગ કર્યો છે.
![rajkot parsottam rupala vs kshtriya samaj boycott poster padminiba vala ann tyag](/wp-content/uploads/2024/04/MS-33.jpg)
રાજકોટ જિલ્લાના વિવિધ ગામના સંગઠનોએ રૂપાલા વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ ઉપાડી છે. વિવિધ વાયરલ પોસ્ટમાં રૂપાલા વિરુદ્ધ રાજકોટ જિલ્લાના સાતવડી, હરિયાસણ, ચરેલિયા, વલાસણ, સિદસર સહિતના ગામમાં પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં ભાજપના કાર્યકરો કે નેતાઓએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવો જેવા લખાણ લખવામાં આવ્યા છે. એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપનો બહિષ્કાર કરવાનું જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘વાર્તા રે વાર્તા માંડવીયા ગીત ગવડાવતા…’ પોરબંદર બેઠક પર વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ વાયરલ
જ્યારે બીજી બાજુ રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પોતે અન્નનો ત્યાગ કર્યાના અહેવાલો બહાર આવ્યા છે. રાજકોટ ખાતે આવેલા આશાપુરા માતાજીનાં મંદિરના પટાંગણમાં મહિલાઓ સાથે અન્નનો ત્યાગ કરીને બેસી ગયા છે. ‘હમ સે જો ટકરાયેગા, મિટ્ટીમે મિલ જાયેગા’ ના સૂત્રો પણ પોકાર્યા હતા. ઘણી મહિલાઓ વિરોધ પ્રદર્શિત કરવા માટે થઈને “પરષોત્તમ રૂપાલા BOYCOTT” સપોર્ટ ક્ષત્રિય સમાજના પોસ્ટર પર લગાવતા જોવા મળ્યા હતા.