અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓએ નેતાગીરી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો?

રાજકોટ: છેલ્લા ઘણા સમયથી શહેરમાં અને ગુજરાત ભરમાં અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. આજે જ્યારે રાજકોટ ભાજપના પદાધિકારીઓ અને શહેર સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીને મળવા ગયા છે ત્યારે જાહેરમાં એમ કહેવાય છે કે જે સંસ્થાઓને સીલ માર્યા છે તે ઉતાવળે માર્યા છે તેમને પણ થોડો સમયગાળો આપવો જોઈએ તેની યોગ્ય રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો હોય મળવા ગયા છે પરંતુ એક સૂર એવો પણ નીકળે છે કે અત્યાર સુધી જે ગેરકાયદેસર બાંધકામો અને નિયમ વિરુધ્ધના કૃત્યો થયા છે તેમાં અધિકારી ને ભલામણ કરી અને નિયમો અનુસાર ન વ્રતવા માટે આ જ નેતાઓએ મજબૂર કર્યા હતા. હવે જ્યારે અધિકારી કડક થયા છે કારણ કે “જમવામાં જગલો અને ફૂટવામાં ભગલો” જેવો ઘાટ ઘડાયો છે. લોકોમાં અને અધિકારીગણમાં એવી ચર્ચા થઈ રહી છે કે રૂપિયા ખાઈ અને અમને ભલામણ કરે છે.અને નિયમો તોડવા માટે મજબૂર પણ કરે છે.જ્યારે તપાસ પંચ નિમાય છે ત્યારે અધિકારીઓને પકડી અને અંદર કરાય છે. એટલે હવે જ્યારે નિયમ પ્રમાણે અધિકારીઓએ વર્તવાનું ચાલુ કર્યું છે તો ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં ફાળ પડી હોય તેમ રજૂઆતો કરવા માટે દોડી ગયા છે.
હજુ પણ નૈતિક મૂલ્યો સમજાયા નથી.તમે જેની ભલામણ કરો છો તે જો કાયદેસર વર્ત્યા હોત તો તેમની મિલકત સીલ ના થઈ હોત. એક અગ્નિકાંડ પછી પણ નિયમ વિરુદ્ધ જઈ અને જે મિલકતો સીલ થઈ છે. તેને ખોલવા માટે ભલામણ કરવા માટે નૈતિકતા નેવે મૂકવી પડે. જે બંને પક્ષો મૂકી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડઃ વધુ એક અધિકારી સસ્પેન્ડ કરાયા
અધિકારીઓએ પણ હવે સમજી જવું જોઈએ અત્યાર સુધી પદાધિકારીઓનું માન્યા અને કુદરતના તથા ન્યાયના કાયદાના ગુનેગાર બન્યા. ખોટી ભલામણ સ્વીકારી નિયમ વિરોધનું કાર્ય કરી અંતે તો જવાબદારી તેમની જ નક્કી થાય છે તો થોડા લાભ માટે શું કામ કુદરતના અને કાયદાના ગુનેગાર બનવું? બીજો કોઈ ડર લાગતો હોય તો આ પદાધિકારીઓ પાસે લેખિતમાં માંગવું કે લેખિત ભલામણ કરો. આટલું માંગશો એટલે એ તો તરત અટકી જશે.
હાલ તો એક જ વસ્તુ છે કે કોર્પોરેશનના જે અધિકારીઓ જેલ હવાલે થયા છે સસ્પેન્ડ થયા છે તેઓ મોઢું ખોલે અને પદાધિકારીઓના નામ બોલે અથવા તો બોલ્યા હોય પછી તે જાહેર થાય તો અને તો જ અત્યારે જે સીટ પર શંકા ના વાદળો છે તે દૂર થઈ શકે.