અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટમાં બપોર સુધી બજારો રહી બંધ
રાજકોટ : રાજકોટમાં શનિવારે TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે. શહેરમાં સર્જાયેલ આ મોતતાંડવનો ભોગ બનેલા લોકોના મૃતદેહની ઓળખ હવે થઈ રહી છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દુર્ઘટનાથી શોકની લાગણી વ્યાપ્ત થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો હતો.
રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં પણ લોકોએ પણ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બંધ પાળ્યો હતો. રાજકોટના વેપારી એસોસિયેશનના વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો
રાજકોટના મુખ્ય વેપારી સંગઠનો રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એશોશીએશન, રાજકોટ રીટેલ રેડીમેઇડ એશોશીએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એશોશીએશન, લાખાજીરાજ રોડ વેપારી એશોશીએશન, ગુદાંવાડી ઓલ મર્ચન્ટ એશોશીએશન, તેમજ દાણાપીઠ વેપારી એશોશીએશનના વેપારીઓએ આજે બપોરના 1 વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. સવારે 11 વાગ્યે લાખાજીરાજ રોડ અને ગુંદાવાડી મેઇન રોડ પર શોકસભા પણ યોજાઇ હતી.