
અમદાવાદઃ લોકસભા ચૂંટણી-2024 માટે તખ્તો તૈયાર છે. 19 એપ્રિલે પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ થશે અને ત્યાર બાદ બીજા અને ત્રીજા ચરણના વોટિંગ માટે તમામ પક્ષો-ઉમેદવારોનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થશે. આ બધા વચ્ચે ગુજરાતમાં વડાપ્રધાન મોદીથી માંડીને ભાજપના નાનામાં નાના કાર્યક્રરની મીટ રાજકોટ બેઠક પર છે. એક તરફ અહીંના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે અને બીજી બાજુ 2002માં અમરેલીમાં પરસોત્તમ રૂપાલાને વિધાનસભા ચૂંટણીમાં હરાવીને જાયંટ કીલરનું બિરુદ પામી ગયેલા પરેશ ધાનાણીને કૉંગ્રેસે રાજકોટની ટિકિટ આપી છે. પરેશ ધાનાણીને શનિવારે રાત્રે જ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી કોંગ્રેસે આ જંગને 22 વર્ષ પહેલાનો ઇતિહાસ દોહરાવવા કમર કસી છે.
ક્ષત્રિય સમાજનો વિરોધ અને લેઉવા -કડવાના સમીકરણ
છેલ્લા 21 દિવસથી આ લોકસભા બેઠક પર પરષોત્તમ રુપાલાની ઉમેદવારી સામે, ક્ષત્રિય સમાજ નારાજ છે અને રાજકોટથી ઉઠેલી અસંતોષની જ્વાળા હવે રાજ્ય જ નહીં પરંતુ સીમાડા ઓળંગી,રાજસ્થાન- મધ્ય પ્રદેશ સુધી પહોંચી છે. પરસોત્તમ રૂપાલાના એક માત્ર નિવેદનના કારણે ભાજપમાં બેચેની વધી ગઈ છે. રૂપાલા વિરોધી જુવાળ વધતો ચાલ્યો છે ત્યારે સ્થિતિની સમીક્ષા કરી કોંગ્રેસે અમરેલી બેઠકના જૂના પ્રતિ સ્પર્ધી પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પર લડાવવા રાજી કર્યા છે.
ALSO READ : ક્ષત્રિયોમાં તડાં, કાઠી સમાજે પુરુષોત્તમ રુપાલાને કર્યા માફ, ટેકો જાહેર કર્યો
શું બેસશે સમીકરણ ?
રાજકોટ લોકસભા બેઠક પરની આંકડાકીય વિગતોને જોઈએ ( વર્ષ 2019 મુજબ ) તો અંદાજિત 19 લાખ મતદાતાઓ ( વસ્તીના 29 ટકા ) પાટીદાર સમાજની હતી. તો 16 ટકા વસતિ કોળી સમુદાયની, આ બેઠક પર 6 ટકા ક્ષત્રિય સમાજ અને 6 ટકા દલિત સમાજ છે તો અન્ય જ્ઞાતિ 43 ટકા પ્રભુત્વ ધરાવે છે . કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કડવા પારીદારની વસતિ 2.5 લાખ આસ[પાસ હતી. કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર સમાજમાથી આવે છે.અહીં લેઉવા પાટીદારની વસતિ 3 લાખ આસપાસ, કોળી સમાજ 3 લાખ આસપાસ,ક્ષત્રિયો 1 લાખ 10 હજાર આસપાસ,દલિત 1 લાખ 10 હજાર અને અન્ય જ્ઞાતિ 7.95 લાખ આસપાસ થાય છે. આ ચૂંટણીમાં આ આંકડામાં નાનો-મોટો ફેરફાર થયો હોઈ શકે.
જ્ઞાતિ-જાતિના આ સમીકરણે જો કોળી,લેઉવા પાટીદાર,દલિત અને ક્ષત્રિય સમુદાય એક જ લાઇનમાં વોટિંગ કરે તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનના સમર્થનમાં રહે તો ક્રોસ વોટિંગની ભરપૂર શક્યતાએ, આ લોકસભા બેઠકનું પરિણામ 2009 જેવુ આવી શકે. જેમાં ભાજપના કિરણ પટેલ ,કોંગ્રેસનાં ઉમેદવાર કુંવારજી બાવળીયા સામે હારી ગયા હતા. રૂપાલા કેસમાં જો ક્ષત્રિય સમાજ મતદાન સુધી ટસનો મસ નહીં થાય તો માત્ર રાજકોટ જ નહીં ગુજરાતની 25 માથી બીજી પણ 7 થી 8 બેઠકો પર મોટી અસર જોવા મળી શકે તેમ રાજનૈતિક વિશ્લેષકો માને છે. આ રોચક સમીકરણમાં વડા પ્રધાન મોદીનો પ્રચાર અને તેમનો ચહેરો મોટી અસર પાડી શકે તેમ છે.