રાજકોટમાં ફર્નિચરના વેપારીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હાર્ટએટેક, જાણો વિગત…
Rajkot News: રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસમાં થયેલી ફરિયાદનો જવાબ લખાવવા આવેલા યુવકને હાર્ટએટેક આવ્યો હતો. જેથી હાજર પોલીસે સીપીઆર આપી જીવ બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમ છતાં જીવ બચાવી શકાયો નહોતો.
શું છે મામલો
રાજકોટના રેલનગરમાં આવેલા અવધ પાર્કમાં રહેતા મહેશભાઈ દૂધાત્રા (ઉ.વ.42) ફર્નિચરનો ધંધો કરે છે. ફર્નિચરના કામ બાબતે કારીગર સાથે માથાકૂટ થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેનો જવાબ લખાવવા તેઓ અન્ય કારીગર સાથે આવ્યા હતા. આ સમયે તેઓ વાતચીત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. જેથી હાજર પોલીસે તેમનો સીપીઆર આપી હતી અને 108ને જાણ કરવામાં આવી હતી.
108ની ટીમે આવીને પણ જીવ બચાવવાની કોશિશ કરી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના મોભીના અચાનક નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અમરેલીના ધારી ખાતે ગુરૂવારે પાર્ટી પ્લોટમાં ગરબે રમી રહેલા ડાન્સ ટીચરનું હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. ધારીમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમી રહેલા ધારીના યુવક જાગૃત ગુર્જર (ઉ.વ.37) ને હાર્ટ એટેક આવતાં અચાનક ઢળી પડ્યો હતો. જેથી ગરબામાં હાજર સૌ લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં પહોંચતાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક છેલ્લા 10 વર્ષ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ ટીચર તરીકે પણ નોકરી કરતો હતો. આટલી નાની વયે હાર્ટ એટેક આવતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.