રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થયું: અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરોનું આવાગમન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ નજીક હિરાસર ખાતે આકાર લેનારા નવા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાતે સ્થળાંતર બાદ મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી માત્ર અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરે આવાગમન કર્યું છે. હાલ નવા એરપોર્ટ પરથી દરરોજની ૧૦ જેટલી શેડ્યૂલ ફ્લાઇટ અને બે નોન શેડ્યૂલ ફલાઇટ ઉડાન ભરે છે.
રાજકોટ શહેરની મધ્યમાં જૂનું એરપોર્ટ કાર્યરત હતું ત્યારે મુંબઇ, દિલ્હીની ફ્લાઇટમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયો હતો. ત્યારબાદ ગત ૧૦મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં નવું એરપોર્ટ શહેરથી ૩૧ કિ.મી. દૂર આવેલું હોવાથી મુસાફરો અને એરટિકિટ બુકિંગ કરતા એજન્ટોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો હતો અને હજુ એરપોર્ટના નિર્માણની કામગીરી ચાલુ હોય અસુવિધાઓની ફરિયાદો પણ ઊઠી હતી. આ ફરિયાદો વચ્ચે પણ છેલ્લા અઢી મહિનામાં ૧,૪૧,૨૩૨ મુસાફરએ નવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવાગમન કર્યું છે. જેમાં ૭૧૦૫૦ મુસાફર અલગ-અલગ શહેરોમાંથી રાજકોટ આવ્યા છે અને ૭૦૧૮૨ મુસાફર રાજકોટમાંથી અન્ય શહેરોમાં જવા ફ્લાઇટમાં ઉડાન ભરી છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ફ્લાઇટો શરૂ કરવા હાલ કવાયત ચાલી રહી છે, ત્યારે મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.