રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના પ્રાઈવેટ વીડિયો લીક કર્યાનો ભાંડો ફૂટ્યો

રાજકોટ: ગુજરાતની અસ્મિતાને કલંકિત કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ વિડીયો રાજકોટના રૈયા ચોક નજીકની પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વિડીયો
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની એક ઘટનાએ તમામ હદો પાર કરી દીધી છે. રાજકોટના રૈયા ચોક નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના CCTV વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવીને બતાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. આ વિવાદ મામલે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સંજય દેસાઈએ કહ્યું કે, ‘અમારી હોસ્પિટલ સાથે અનેક ગાયનેક ડૉક્ટર સંકળાયેલા છે. સમગ્ર મામલો અમારી જાણ બહાર છે. કોઈએ અમારા સીસીટીવી હેક કર્યા છે. જેને લઈને અમે ફરિયાદ કરવાના છીએ. સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કેમેરા રાખવામાં આવ્યા હતા.’
સાયબર પોલીસ દ્વારા તપાસ
વિકૃત માનસિકતાના લોકોએ મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત અને ખૂબ જ પ્રાઇવેટ ગણાતા વીડિયોને ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માણસ કેટલી નીચલી કક્ષાએ ઉતરી શકે તેવી ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે. ત્યારે હાલ મહિલાઓના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજકોટ સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આઈટી એક્ટની કલમ 66-E અને 67 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માત્ર અમુક લોકો દ્વારા 999 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં મેમ્બરશિપ આપવામાં આવતી હતી. આ માટે ટેલિગ્રામ પર ગ્રુપ બનાવવામાં આવ્યા છે. તે ગ્રુપ્સની અંદર 5 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ બધા વિડીયોમાં ઘણા દક્ષિણ ભારતની હોસ્પિટલમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
જુદા જુદા વિડીયો માટે ફોલ્ડર
આ વિડિયોમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઇને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો માટે જુદા જુદા ફોલ્ડર પણ બનાવવામાં આવ્યા છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250થી વધુ, ઇન્જેક્શનનાં 250થી વધુ અને ગાયનેક તપાસનાં 2500થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.